હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દેશના ઘણા વિસ્તારોમાં વરસાદની મોસમ ચાલુ રહેવાની છે. કર્ણાટક, કેરળ, ગોવા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં હળવા અને મધ્યમ વરસાદની સંભાવના છે. આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ચાલુ છે. IMDના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. જ્યારે દક્ષિણમાં તે સામાન્ય સ્થિતિમાં છે. આવી સ્થિતિ આગામી 4-5 દિવસ સુધી રહેશે. દિલ્હીમાં પણ વરસાદી માહોલ જારી રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં અને તેની આસપાસના લો પ્રેશરને કારણે ઘણી જગ્યાએ મધ્યમ અને ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ આ દબાણ અરબી સમુદ્રમાં મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. મહારાષ્ટ્ર અને કોસ્ટલ કેરળમાં સારા વરસાદના સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ગુજરાત, મધ્યપ્રદેશ, મરાઠવાડામાં ભારે વરસાદની આગાહી કરી છે. 9 થી 10 ઓગસ્ટ સુધી કોંકણ પ્રદેશ, ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના સંકેતો છે. આ દરમિયાન હિમાલયના રાજ્યોની સાથે સિક્કિમમાં 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે.

ઝારખંડમાં 10 ઓગસ્ટ સુધી વરસાદ સાથે ભારે પવનની સંભાવના છે. તે જ સમયે, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાની સ્થિતિ પણ 10 ઓગસ્ટ સુધી એવી જ રહેશે. અહીં ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારોમાં આજે પણ વરસાદ પડી શકે છે.