દસાડા ખાતે બસના કંડકટરે પેસેન્જરને ટિકિટનું પુછતા માથામાં ઇંટ ફટકારતા કંડક્ટર લોહીલુહાણ થયો હતો. આથી ધ્રાંગધ્રા-શંખેશ્વર એસ.ટી બસના કંડક્ટરને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. કંડક્ટરે પેસેન્જરને ટિકિટ લેવાનું પૂછતાં ઉશ્કેરાઈ જઈ કરી ઝપાઝપી અને ઝગડો કરી બસમાં જ ધમાલ મચાવી હતી.ધ્રાંગધ્રા ડેપોથી ધ્રાંગધ્રા-શંખેશ્વર બસ લઈને ડ્રાયવર હબીબભાઈ ગનીભાઈ દેકાવાડીયા અને કંડક્ટર જયેશકુમાર રમણિકભાઈ મોડિયા નીકળ્યાં હતા. ગામડાઓ થઇને આ બસ પાનવાના બોર્ડ પાસે પહોંચતા કંડક્ટરે બસમાં પેસેન્જરોની સંખ્યા ગણતા વધારે હતી. જેથી એક શખ્સને ટિકિટ લેવાનું કહેતા એ શખ્સે એકદમ ઉશ્કેરાઇ જઇને જણાવ્યું હતું કે, તુ અમારો નોકર છે, અહીં આવ ટિકિટ આપવા, હું નહીં આવુ. જેથી કંડકટરે નીચે ઉતારવાનું કહેતા શખ્સે ભુંડા બોલી ગાળો બોલી ઝપાઝપી કરી નીચે ઉતરી નીચેથી ઇંટ કંડકટરના માથાના પાછળના ભાગે મારતા સખત લોહી વહેવા લાગ્યું હતુ.જેથી બસના ડ્રાઇવર દ્વારા આ ઇસમને બસમાં બેસાડી બસ દસાડા પોલીસ મથકે લઈ ગયા હતા. અને પૂછપરછ કરતા ઈસમનું નામ દીપકભાઈ જયંતીભાઈ સોલંકી ( રહે-બોલેરો તા-શંખેશ્વર હાલ-ગાંધીધામ ) હોવાનું સામે આવ્યું હતુ. બાદમાં કંડકટરને દસાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને વાગેલ ઘા પર ડોક્ટર પાસે પાટો બંધાવી સારવાર કરાવવામાં આવી હતી. બાદમાં કંડક્ટર દ્વારા દીપકભાઈ સોલંકી વિરૃદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.