ગુજરાતમાં છેલ્લા 8 કલાકમાં 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ ધોરાજીમાં ભાદર-2 ડેમ રિ-ઓવરફ્લો થતાં 37 ગામોને એલર્ટ કરાયા છે. ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આ ડેમ આવેલો છે. ડેમ ઓવરફ્લો થતાં ડેમનો દોઢ ફૂટનો દરવાજો ખોલવામાં આવ્યો છે. જેથી ભાદર ડેમ સાઈટના 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં 2073.95 ક્યુસેક પાણીની આવક સામે 2073.95 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ભાદર ડેમનો દોઢ ફૂટનો દરવાજો ખોલવામાં આવતા ધોરાજી તાલુકાના ભોળા, ભોઈ, ચાડ વાવદર, સુપેડીના ચાર ગામોને એલર્ટ કરાયા છે. ઉપલેટાના 15 ગામો, બિચીનાના 19 ગામો અને પોરબંદરના 4 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આમ ભાદર-2 ડેમ સાઇટની આસપાસ આવતા 37 ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે લોકોને નદીના પટમાં ન જવાની સલાહ આપવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સતત ઓવરફ્લો થતા ભાદર 2 ડેમના 1 દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે રાજકોટ શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ, અમીન માર્ગ ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ તરફ ગોંડલ રોડ, ઢેબર રોડ સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.

રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેતપુર તાલુકામાં શનિવારે વહેલી સવારે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. તાલુકાના પેઢાળા, સમઢીયાળા, રબારીકા સહિત આજુબાજુના અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ મેઘ સવારી પ્રચલિત છે. ભારે વરસાદના કારણે જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે.