વાહન ચાલકો અટવાયા: પાલનપુરના મીરાગેટથી જનતાનગર સુધી રોડનું કામ શરૂ થયું, ડ્રાયવર્ઝન ન અપાતા હાલાકી

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં બિસ્માર માર્ગોનું સમાર કામ કરવા અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે તંત્રએ કામગીરી શરૂ કરી છે. અંબાજી અને વડગામને જોડતા મુખ્ય માર્ગ પર મીરાગેટ જનતાનગર સુધીનો માર્ગ બિસ્માર બનતા તંત્ર દ્વારા આ માર્ગેનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ રોડ બનવાથી લોકોને અવર જવર કરવામાં સરળતા રહેશે પણ રોડ બનાવાનું શરૂ છે. ત્યા સુધી લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. થોડાક દિવસ પહેલા મિરાગેટથી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જેને લઈને આ માર્ગે પરથી પસાર થતા વાહનોને અન્ય માર્ગે પસાર થવા માટે કોઈ જ પ્રકારનું ડ્રાઈવર્ઝન આપવામાં ન આવતા વડગામ અને અંબાજી તરફ જતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. કોઈ પણ જાતની ડ્રાઈ વર્ઝન આપ્યા વિના સમતા સ્કૂલ પાસે રોડના કામને લઈને સોનબાગ તરફનો તેમજ જનતા નગર તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવતા હજારો વાહન ચાલકો અટવાઈ રહ્યા છે અને બજારમાં આવતા ગલીઓના માર્ગે પસાર થવા મજબૂર બન્યા છે.