બેચરાજી તાલુકાના વિજાપુરડા ગામે આવેલ અંધશ્રધ્ધા નિવારણ ધામ રાજલ સિકોતર મંદીરે 16માં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતો મુજબ આ વિજાપુરડા ધામમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. વિજાપુરડા રાજલધામને સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં નંબર-1 વ્યસન મુક્તિ ધામ તરીકે ઓળખવામાં આવે છે. 

મહેસાણા જિલ્લાનાં બેચરાજી તાલુકાના મોઢેરા નજીક આવેલ વિજાપુરડા ગામે ફરી એકવાર ભક્તિનો માહોલ સર્જાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહી પ્રવીણ માડી અને નયનાબા નાં સાનિધ્યમાં 16માં ભવ્ય પાટોત્સવ અને રાજલ સિદ્ધિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 24-04-2023નાં રોજ યોજાનાર આ પાટોત્સવ અને રાજલ સિદ્ધિ મહાયજ્ઞમાં ગુજરાત ભરમાથી સાધુ, સંતો, મહંતો, ભુવાજીઓ અને રાજલ સિકોતર પરીવાર પધારી માં રાજલનાં અવસરનો લાભ લઈ દર્શન કરશે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વિજાપુરડા રાજલધામમાં દર વર્ષે ભવ્ય પાટોત્સવ અને રાજલ સિદ્ધિ મહાયજ્ઞમાં ગુજરાતનાં નામાંકિત કલાકારો રાસગરબાની રમઝટ બોલાવતા હોય છે. જેને લઈ આ વર્ષે પણ ફિલ્મ અભિનેત્રી મમતા સોની, લોક ગાયક ધવલ બારોટ, મહેસાણા અને ખાસ કરી ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો જયદીપ પ્રજાપતિ અને લોકસાહિત્યકાર ભરતભાઈ હડિયલ હાજર રહેનાર છે. આ સાથે 24-04-2023ના દિવસે વિજાપુરડા રાજલધામમાં દરેક ભાવિક-ભકતો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ છે. 

નોંધનીય છે કે, વિજાપુરડા રાજલધામમાં હજારોની સંખ્યામાં લોકો મનમાં અતુટ શ્રધ્ધા વ્યસન મુક્તિ માટે આવતા હોય છે. જેમાં ખાસ કરીને રવિવાર અને ગુરુવારનાં દિવસે અહી બેઠક-સત્સંગનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે પણ અહી ભક્તો માટે રાજલરોટી અન્નક્ષેત્ર ચાલુ હોય છે.