ડીસા તાલુકાની ઢેઢાલ સરકારી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળા અને પુસ્તકાલયનો નવતર અભિગમ

સુવિધા, શિક્ષણ અને સફળતાનાં ત્રિવેણી સંગમથી અનોખી ઓળખ ઉભી કરતી ડીસા તાલુકાની ઢેઢાલ સરકારી પ્રાથમિક શાળા

તાલુકા કક્ષાએ NMMS પરીક્ષામાં ઢેઢાલ શાળાના વિદ્યાર્થીઓનો દબદબો

           બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢેઢાલ ગામની સરકારી પ્રાથમિક શાળા સમગ્ર જિલ્લામાં તેની સુવિધા, શિક્ષણ અને સફળતાનાં ત્રિવેણી સંગમની આગવી ઓળખ થકી શિક્ષણ જગતમાં એક અનોખી સરકારી શાળા તરીકેની નામના ઉભી કરી છે. સામાન્ય રીતે શહેરી વર્ગમાં સરકારી શાળાઓ પ્રત્યે એક પ્રકારની સુગ હોય છે અને અમારું બાળક મોંઘીદાટ ફી ભરી ખાનગી સ્કૂલમાં ભણે છે એનું ગૌરવ હોય છે, પરંતુ ઢેઢાલ જેવી પ્રાથમિક શાળા હોય તો દરેક વાલી એમ જ ઈચ્છે કે મારું બાળક પણ આવી સરકારી સ્કૂલમાં ભણે.

             સામાન્ય રીતે ગામડા ગામની સરકારી શાળાઓમાં અભ્યાસની સાથે ઇતર પ્રવૃતિઓ અને શૈક્ષણિક સાધન સુવિધાઓનો અભાવ હોય છે. પરંતુ ઢેઢાલ ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી કિરણકુમાર પરમાર , શાળા પરિવાર અને લોક ફાળા દ્વારા બાળકોના શિક્ષણ અને ભાવિ ઘડતર માટે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના થકી સરકારી પ્રાથમિક શાળામાં જવલ્લે જ જોવા મળે એવી વિજ્ઞાન પ્રયોગશાળા અને પુસ્તકાલયનું નિર્માણ શક્ય બન્યું છે. જેના લાભ થકી વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરની નવી દિશા ખુલી છે. આ વિજ્ઞાન પ્રયોગ શાળા વિદ્યાર્થીઓને વિજ્ઞાન જેવા અધરા વિષયને સમજવામાં ઉપયોગી બની છે. તો તેના થકી વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયમાં રસ રુચિ વધી છે. વિજ્ઞાનના અમુક સાધનો, રસાયણો જેના ફક્ત નામ જ સાંભળ્યા હતા એવા પદાર્થો અને સાધનોથી વિદ્યાર્થીઓ પરિચિત બન્યા છે. સાથે સાથે જીવનમાં વિજ્ઞાનનું શુ મહત્વ છે એનાથી પણ વિદ્યાર્થીઓ માહિતગાર બન્યા છે. 

          વિજ્ઞાન પ્રયોગશાળાની સાથે સાથે શાળામાં પુસ્તકાલયના નિર્માણથી બાળકોની વાંચન ભૂખ ઉઘડી છે અને તેમના રસ રુચીના પુસ્તકો સાથે, બાળ વાર્તાઓ, દેશના ક્રાંતિકારીઓ, સ્થાપત્ય , કળા, ઇતિહાસ, ધર્મ અને વિજ્ઞાન સહિત દરેક વિષયના પુસ્તકો ઉપલબ્ધ બનાવાયા છે. જેના વાંચન થકી બાળકોમાં દેશ ભક્તિ, સંસ્કૃતિ પ્રત્યે સન્માનની સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું નિર્માણ થાય છે. વિજ્ઞાન પ્રયોગ શાળા અને પુસ્તકાલયની સુવિધા ઉપલબ્ધ બન્યા બાદ વિદ્યાર્થીઓ તેનો લાભ લેતા થયા છે. અને તેનું પરિણામ તેમના અભ્યાસમાં પણ જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓનું શાળા લેવલે સ્તર તો સુધર્યું છે પણ જિલ્લા, તાલુકા સ્તરે અન્ય લેવલે લેવાતી વિવિધ પરીક્ષાઓમાં પણ ઢેઢાલ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સફળતા ઉડીને આંખે વળગી એવી છે. તા. 26 જાન્યુઆરી 2023ના રોજ પ્રયોગશાળા અને પુસ્તકાલયનું લોકાર્પણ કરી બાળકો માટે આ સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. જે ગામડાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડતરની સીડી બની રહી છે.

       શાળામાં ધોરણ 1 થી 8 માં કુલ 427 વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરે છે. કુલ 13 શિક્ષકો ધોરણ 1 થી 8 માં ફરજ બજાવે છે. બે શિક્ષકો પટેલ હિતેશકુમાર મફતલાલ અને જોષી ત્રિભોવનભાઈ આશારામ B.SC, M.SC અને B.ED જેવી ઉચ્ચ ડીગ્રી ધરાવે છે. આમ ઉચ્ચ અભ્યાસ ધરાવતા શિક્ષકોના જ્ઞાનનો પણ આ શાળાના વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે. શાળાના આચાર્ય કિરણકુમાર લલ્લુભાઈ પરમારની દીર્ઘ દ્રષ્ટિ અને શિક્ષકોની કેળવણીમાં કચાસ નહી ના મંત્ર સાથેની નિષ્ઠા થકી આજે ઢેઢાલ પ્રાથમિક શાળાના બાળકો NMMS પરીક્ષામાં ડીસા તાલુકામાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. તો 18 બાળકોથી 17 બાળકો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. સતત ચાર વર્ષથી NMMS રેન્કમાં શાળાનો નમ્બર આવેલો છે. 

          શાળામાં 31/08/ 2012 થી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા પરમાર કિરણકુમાર લલ્લુભાઈ જણાવે છે કે મેં અહીં આવીને જોયું કે ગામમાં વિદ્યાર્થીઓ આર્ટસ અને કૉમર્સ વિષયમાં જ આગળ અભ્યાસ કરતા હતા. વિદ્યાર્થીઓ માં વિજ્ઞાન જેવા વિષયમાં રસ વધે અને તેઓ આગળ વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરી શકે એવા હેતુસર અમે પ્રયોગશાળા અને પુસ્તકાલય બનાવવાનો નિર્ણય કર્યો. જેમાં શાળા પરિવારનો પૂરતો સહયોગ મળ્યો છે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ લોકફાળાથી આ સુવિધા શક્ય બની છે. તેમજ આ સુવિધાઓ થકી વિદ્યાર્થીઓના અભ્યાસ અને પરિણામમાં પણ સુધારો જોવા મળ્યો છે.

NMMS પરીક્ષામાં ડીસા તાલુકામાં પ્રથમ નંબરે આવેલ શાળાનો વિદ્યાર્થી ઠાકોર કમલેશ નારણજી પોતાની સફળતાનો શ્રેય તેના માતા પિતા અને તેના ગુરૂજનોને આપતાં જણાવે છે કે, અમારા શિક્ષકોએ રેગ્યુલર ટેસ્ટ, જુના પેપર સોલ કરાવતા અને દરેક વિષયની ચર્ચા કરી અમને સફળતા અપાવી છે. મને મારી શાળા માટે ગૌરવ છે.

બોક્સ

શાળાની વિદ્યાર્થીની કોલા જીનલ નાગજીભાઈએ 

NMMS પરીક્ષામાં ડીસા તાલુકા કક્ષાએ બીજો નંબર મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. જીનલ જણાવે છે કે મને સરકારી પ્રાથમિક શાળામાં ભણવાનું ગૌરવ છે. અમારા શિક્ષકોએ મને પરીક્ષાની સરસ તૈયારી કરાવી હતી. આથી મને આ સફળતા મળી છે. હું રીસેસ અને ફ્રી ટાઈમમાં વિજ્ઞાન પ્રયોગ શાળા અને પુસ્તકાલયનો પણ ઉપયોગ કરું છું. મને મારી શાળા માટે ગૌરવ છે એમ જણાવે આચાર્ય અને શાળા પરિવારનો આભાર માને છે.