ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર ની ₹ 12000 ની ઈલેક્ટ્રીક બાઈક સબસિડી યોજના..

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશિર્વાદ રૂપ બનતી ઈલેક્ટ્રીક બાઈક યોજના

જરૂરિયાત પણ સચવાય છે અને વાહન ચલાવવાનો શોખ પણ પૂરો થાય છે:- લાભાર્થી દિલીપ ગેલોત

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રીક બાઈક યોજના (Gujarat Electric E-Vehicle Scheme ) વિદ્યાર્થીઓ માટે નહિવત ખર્ચે અવર જવરમાં સુવિધાયુક્ત બનવાની સાથે પર્યાવરણને શુદ્ધ રાખવામાં મહત્વની યોજના પુરવાર થઇ છે. તો રાજ્યને પ્રદુષણ મુક્ત બનાવવા માટેની રાજ્ય સરકારની પહેલમાં ઇ વેહિકલ અપનાવનાર વિદ્યાર્થીઓ પણ સહભાગી બની ગ્રીન ગુજરાતના મિશનમાં યોગદાન આપી રહ્યા છે.

           ગુજરાત સરકાર દ્વારા GEDA e વાહન સબસિડી યોજના હેઠળ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને Electric Scooter ની ખરીદી પર રૂ.12,000 ની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને પણ મળ્યો છે. જેના થકી જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ ગામોમાં રહેતા અને તાલુકા મથક કે જિલ્લા મથક પાલનપુર ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત આવ્યો છે.

            બનાસકાંઠા જિલ્લામાં આવેલા છેવાડા અને અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને આજે પણ પ્રાથમિક શિક્ષણ કે ધોરણ 8 પછીના અભ્યાસ માટે નજીકના મોટા ગામ, જે તે તાલુકા મથક કે જિલ્લા મથક પાલનપુર કે ડીસા જેવા સેન્ટરો પર આધારિત રહેવું પડે છે. અવરજવર માટે સરકારી એસ ટી બસોની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં સમયની અનુકૂળતા કે નિયમિતતા સચવાતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ સાધનોમાં મુસાફરી કરવી પડે છે કે બાઇક, એકીટવા જેવા સાધનો વસાવવા પડે છે. બાઇક કે એક્ટિવાને લીધે અભ્યાસની સાથે પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણનો વધારાનો ખર્ચ ભોગવવો પડે છે. અને વાલીઓને દીકરા દીકરીના અભ્યાસ પાછળ મુસાફરીનો વધારાનો ખર્ચ બોજ ઉઠાવવો પડે છે. આ બધી સમસ્યાઓનો અંત આવ્યો હોય એમ E- વેહિકલ ની યોજના આવા પરિવારો અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બની છે. 

           ડીસા તાલુકાના જુના વાસણા ગોળીયા ગામના ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દિલીપ રાજુભાઇ ગેલોતે ઇ વેહિકલ યોજનાનો લાભ મેળવ્યો છે. અને શાળા એ જવા આવવા માટે Electric Scooter નો ઉપયોગ કરે છે. દિલીપ ડીસાની એન્જલ્સ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. ઘરથી સ્કૂલનું અંતર 12-13 કિ. મી. જેટલું થાય છે. ધોરણ 12 તેની કારકિર્દી માટે મહત્વનું હોઈ કરીયાણાની દુકાન ધરાવતા તેના પિતા રાજુભાઇએ પુત્ર દિલીપ માટે Electric Scooter લેવાનું નક્કી કર્યું. જેથી દિલીપ માટે ગામથી ડીસા -સ્કૂલ જવાનું સરળ બન્યુ છે, તો બસની રાહ જોવામાં કે પ્રાઇવેટ સાધનોમાં જવાથી થતા સમય અને ખર્ચનો વ્યય અટક્યો છે જેનાથી બચેલા સમયમાં દિલીપ વધુ અભ્યાસ કરી શકે છે. 

           દિલીપ જણાવે છે કે Electric Scooter દ્વારા ડીસા સ્કૂલે જવામાં પડતી તકલીફ અને અગવડનો અંત આવ્યો છે. વળી , Electric Scooter માં પેટ્રોલ કે બીજું ઈંધણ પુરવાની ઝંઝટ નથી આથી પેટ્રોલનો ખર્ચ પણ બચે છે. અને એકવાર બેટરી ફૂલ ચાર્જ કર્યા પછી 60 થી 70 કિ. મિ. સુધી આરામથી મુસાફરી થઈ શકે છે. હું અભ્યાસ ની સાથે ઘરના નાના મોટા કામ અને ચીજ વસ્તુઓ લાવવા માટે પણ e સ્કૂટર નો જ ઉપયોગ કરું છું. અમે 70,000 માં e સ્કૂટર લાવ્યા હતા અને 12,000 ની સબસિડી મળી છે. એટલે આમ જોવા જઈએ તો આ e સ્કૂટર અમને 58,000 માં પડ્યું છે. આજે બાઇક કે એકીટવા લેવા માટે એકાદ લાખ રૂપિયા જેટલું રોકાણ જરૂરી છે. સામે દૈનિક સરેરાશ સો-બસો રૂપિયાનો પેટ્રોલ ખર્ચ તો ખરો જ. એની સામે e સ્કુટરમાં બેટરી ચાર્જીંગનો નહિવત ખર્ચ જ આવે છે. આથી વધારાના આર્થિક બોજ વિના સરળતાથી વસાવી શકાય છે. આપણી જરૂરિયાત પણ સચવાય છે અને વાહન ચલાવવાનો શોખ પણ પૂરો થાય છે.

            દિલીપ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા જણાવે છે કે આજના યુવાનોએ પર્યાવરણને ધ્યાનમાં રાખીને પણ e વેહિકલ અપનાવવું જોઈએ. E વેહિકલ અપનાવવાથી ઈંધણની બચત અને કાર્બન ઉત્સર્જન અટકતું હોવાથી લાંબા ગાળે પ્રયાવરણ માટે ફાયદાકારક છે. આથી હું તમામ યુવાનોને અપીલ કરું છું કે e વેહિકલ અપનાવે.

         દિલીપને e સ્કૂટર પર જતો આવતો જોઈ ગામના અન્ય યુવાનો અને તેના ક્લાસમેટ પણ e સ્કૂટરથી આકર્ષાયા છે. અને પેટ્રોલ ડીઝલ થી ચાલતા વાહનોનો મોહ છોડી પર્યાવરણ માટે ઉપયોગી પ્રદુષણ મુક્ત વાહન અપનાવવા આગળ આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોના વપરાશમાં ઘટાડો કરી ઈલેક્ટ્રીક- બેટરી સંચાલિત વાહનો ચલાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે Gujarat Energy Development Agency – GEDA ના સહયોગ અને સુપરવિઝન હેઠળ રાજ્યમાં ઇ–વ્હીકલનો ઉપયોગ વધારવા માટે વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહયા છે. 

                 આગામી વર્ષોમાં ગુજરાતને ઇ–વ્હીકલ અને તેને આનુષાંગિક સાધન–સામગ્રીનું મેન્યૂફેકચરીંગ હબ બનાવવાનું રાજ્ય સરકારનું સ્વપ્ન છે. સાથે સાથે ઇલેકટ્રીક મોબીલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ રોકાણકારોને પ્રોત્સાહિત કરવા, વાહનોના ધૂમાડાથી થતું વાયુ પ્રદૂષણ અટકાવી પર્યાવરણના રક્ષણ થકી અન્ય ક્ષેત્રની જેમ ઇ વેહિકલ ક્ષેત્રે પણ ગુજરાતને રોલ મોડેલ બનાવવાનું આયોજન છે, ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ e વેહિકલ અપનાવી સરકારના પ્રદુષણ મુક્ત ગુજરાત, ગ્રીન ગુજરાતના મિશનમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે.