ભાડલી નજીક સીપુ નદીમાંથી બેફામ ખનીજ ચોરી, ચાર ડમ્પર કબ્જે લેવાયા....

બનાસકાંઠા જિલ્લા ભુસ્તર અને ફ્લાઇગ સ્કવોર્ડ ગાંધીનગરના સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભાડલી પાસે સીપુ નદીમાંથી ખનીજ ચોરી કરતા ચાર ડમ્પર કબ્જે કર્યા હતા. બનાસકાંઠામાં ખનીજ ચોરી ઝડપવા જિલ્લા ભુસ્તર વિભાગની ટીમ અવારનવાર ખાનગી રાહે ચેકિંગ કરી ખનીજ ચોરી ઝડપી પાડવામાં સફળ રહી છે ત્યારે ગતરોજ વહેલી સવારે પાંથાવાડાના ભાડલી પાસે સીપુ નદીમાં ફ્લાઇગ સ્કવોર્ડ ગાંધીનગર અને જિલ્લા ભુસ્તર વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન કરી નદીમાંથી ખનીજ ચોરી કરતા ચાર ડમ્પર ઝડપી પાડ્યા હતા. અને તમામ ડમ્પરને કબ્જે કરી પાંથાવાડા પોલીસ મથકે લવાયા હતા.જે લાખોનો મુદામાલ કબ્જે કરી ખનીજ વિભાગે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા ભુસ્તર વિભાગે બે દિવસ અગાઉ જ દાંતા અને સુઈગામથી ખનીજ ચોરીના વાહનો ઝડપ્યા બાદ ફરી એકવાર સપાટો બોલાવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લા ભુસ્તર અધિકારી ગુરુપ્રિતસિંહ સાસ્વાનના માર્ગદર્શન હેઠળ સીપુ નદીમાં સાત થી આઠ વખત ખનીજ ચોરી ઝડપી પાડેલ છતાં ખનીજ ચોરોની હરકત ચાલુ રહેતા ગુરુવારે ફરી એકવાર ટીમે સપાટો બોલાવ્યો હતો.