પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મોટા વરાછા સુરત ખાતે રહેતા તેજશભાઈ ઠાકોરભાઈ મૈસૂરિયાએ મહુવા તાલુકાના વાછાવડ ગામે આવેલ બ્લોક નંબર 55/7 વાળી ખેતીની જમીન તારીખ 21/12/2021ના રોજ જમીનના મૂળ માલિક ધનજીશા પેસ્તનજી પાસે ખરીદી હતી. જમીન ખરીદયા બાદ જમીન માલિક તેજશભાઈ મૈસૂરિયા પોતાના પિતા ઠાકોરભાઈ મૈસુરીયા સાથે જમીનમાં કામ કરવા ગયા હતા અને વાછાવડ ગામના શારદાબેન નાયકા સાથે ખેતરની સાફ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન વાછાવડ ગામે રહેતા નાનુભાઈ મંગુભાઈ નાયકા, કાંતુભાઈ બાલુભાઈ નાયકા,હિરેનભાઈ કાંતુભાઈ નાયકા, સરોજબેન કાંતુભાઈ નાયકા, વીણાબેન નાનુભાઈ નાયકા અને અરુણાબેન નાનુભાઈ નાયકાએ એકબીજાની મદદગારી કરી તેમની સાથે ઝઘડો કરી જમીન અમારી માલિકીની છે અહીંથી નીકળી જાઓ નહીં તો મારામારી થશે એમ જણાવતા તેઓ નીકળી ગયા હતા. અને ત્યારબાદ તમામ ઈસમોએ વેચાણે લીધેલ જમીન પર ખેડૂતને પાક લેવા દેવા ન હતા અને તમામે દબાણ કરી 7 મકાનો જમીનમાં બનાવી દીધા હતા, જેથી જમીન માલિક તેજશભાઈ મૈસૂરિયાની ફરિયાદ આધારે મહુવા પોલીસે ગેરકાયદેસર કબજો કરનાર વાછાવડ ગામના 6 વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.