રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગત 7 એપ્રિલને ગુરુવારે એક ભેદી ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઇ ગઇ હતી, પાર્સલમાં એવું તે શું હતું કે જેમાથી આગ ભભૂકી?, પાર્સલ મૂકી જનારી મહિલા કોણ? અને તેનો ઇરાદો શો હતો? એ મુદ્દે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં આજે મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, યુ ટયૂબના માધ્યમથી ટાયમર બોમ્બ બનાવી દુકાનમાં બ્લાસ્ટ કરાયો હતો. ધંધાકીય હરીફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હતો.
રમકડાની કારમાં બોમ્બ ફીટ કર્યો હતો
મહિલા પાર્સલ લઈને આવી તેમાં રમકડાની કાર હતી અને તેમાં ટાઇમર બોમ્બ ફીટ કર્યો હતો. મહિલા સાંજે પાર્સલ દુકાનના ટેબલ પર મૂકી ગઈ હતી. બાદમાં આ પાર્સલ પાછી લેવા ન આવતા તે દુકાનમાં જ પડ્યું રહ્યું હતું. જો કે, મોડી રાત્રે 2.48 વાગ્યે આ પાર્સલમાં રહેલો ટાઇમર બોમ્બ બાસ્ટ થયો હતો અને દુકાનમાં આગ લાગી હતી.
દુકાનમાં લાગેલી આગ અકસ્માત નહીં, ષડ્યંત્ર
ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામ ચૌધરીએ ગત 7 તારીખને શુક્રવારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે ગુરુવારે મધરાતે તેની દુકાનમાં લાગેલી આગ એ અકસ્માત નહીં, પરંતુ ષડ્યંત્ર હતું. ગુરુવારે સાંજે એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને પોતાની સાથે લાવેલા પાર્સલ ભૂલી ગયાનું નાટક કર્યું હતું. રાત્રે દુકાન બંધ કરતી વખતે ભવારામે એ પાર્સલ દુકાનની અંદર રાખી દીધું હતું અને મધરાતે એ પાર્સલમાંથી ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં પાર્સલ મૂકી જનારી મહિલા કેમેરામાં દેખાઇ હતી. તેણે મોઢે દુપટ્ટો વીંટ્યો હોવાથી તેની ઓળખ પોલીસ માટે પડકારરૂપ બની હતી.
પૂછપરછમાં પાર્સલ મૂકી જનારી મહિલાનું નામ ખૂલ્યું
આ દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી. ગોહિલને મહત્ત્વની હકીકત મળી હતી અને એસટી બસપોર્ટ નજીક મોબાઇલ એસેસરીની દુકાન ચલાવતા કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેના સાળાને ઉઠાવી લીધા હતા. પૂછપરછમાં પાર્સલ મૂકી જનારી ત્યક્તા ડોલી નામની મહિલીનું નામ ખૂલ્યું હતું અને પોલીસે તેને પણ ઉઠાવી લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભવારામ અને કાલારામ બંને રાજસ્થાની છે અને બંને વ્યક્તિ ભાડાની દુકાન ધરાવે છે. બંનેની દુકાનનો માલિક એક જ વ્યક્તિ હોઈ, ધંધાકીય હરીફાઇમાં ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામે બસપોર્ટ પાસેની દુકાન કાલારામ પાસેથી ખાલી કરાવી તેણે પોતાને ભાડે આપવા દુકાનમાલિક પાસે પ્રયાસ કર્યા હતા.
મોબાઇલની બેટરી, ઇલેક્ટ્રિક વાયર અને ઘડિયાળનો ઉપયોગ કર્યો
ધંધો છીનવવા અને ભવારામને આર્થિક નુકસાન પહોંચાડવા કાલારામ અને તેના સાળા શ્રવણે કાવતરું રચ્યું હતું. બંનેએ સૂતળી બોમ્બનો દારૂગોળો કાઢી એને એક કોથળીમાં નાખ્યો હતો અને એમાં મોબાઇલની બેટરી, ઇલેક્ટ્રિક વાયર અને ઘડિયાળનો ઉપયોગ કરી દેશી બનાવટનો બોમ્બ બનાવ્યો હતો અને એમાં ટાઇમ સેટ કર્યો હતો. બોમ્બ તૈયાર થઇ ગયા બાદ કાલારામે પોતાની દુકાનેથી છૂટકમાં મોબાઇલ એસેસરી લઇ જઇને પોતાની રીતે વેપાર કરતી ડોલીને પોતાના કાવતરામાં સામેલ કરી હતી અને બોમ્બવાળું પાર્સલ ગુજરાત મોબાઇલમાં મૂકી આવવાની ભૂમિકા તેને સોંપી હતી. ડોલી ગુરુવારે સાંજે પાર્સલ મૂકીને જતી રહી હતી અને મધરાતે એ બોમ્બ ફૂટ્યો હતો.
ગુરુવારે બોમ્બબ્લાસ્ટની ઘટના બની હતી
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગુરુવારે એક ભેદી ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઈ ગઈ હતી, પાર્સલમાં એવું તે શું હતું કે જેમાંથી આગ ભભૂકી?, પાર્સલ મૂકી જનારી મહિલા કોણ? અને તેનો ઇરાદો શો હતો? એ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે અને દુકાનમાં બોમ્બબ્લાસ્ટ કર્યાનું ખૂલ્યું છે.
પોલીસચોકીની સામે જ દુકાનમાં બોમબ્લાસ્ટ
ગુંદાવાડી પોલીસચોકીની સામે આવેલી ગુજરાત મોબાઇલની નામની દુકાનમાં ગુરુવારે સાંજના સમયે એક અજાણી મહિલા આવી હતી અને મોબાઇલની એસેસરીઝ વિશે થોડી વાતચીત કર્યા બાદ પોતાની પાસે રહેલું પાર્સલ થોડીવાર માટે રાખવાનું કહી પોતે ખરીદી કરીને થોડી જ વારમાં પરત આવે છે એવી વાત દુકાનમાલિક સાથે કરી હતી અને પાર્સલ દુકાને મૂકી તે રવાના થઈ હતી. વધુ સમય વીતવા છતાં એ મહિલા પરત આવી નહોતી, દુકાન બંધ કરવાનો સમય થયો, પરંતુ મહિલા પાર્સલ લેવા નહીં આવતાં દુકાનમાલિકે પાર્સલ સાચવીને દુકાનમાં રાખી દીધું હતું. જોકે રાત્રે પાર્સલમાં રહેલો ટાઇમર બોમ્બ બાસ્ટ થયો હતો
મોબાઈલનો મોટો જથ્થો સળગીને ખાખ
એ બાદ રાત્રિના સમયે અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી, દુકાનમાં આગ લાગ્યાની જાણ થતાં દુકાનમાલિક સહિતનાઓ દોડી ગયા હતા. ફાયરબ્રિગેડ સ્ટાફે પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી, આગમાં મોબાઇલ એસેસરીઝનો મોટો જથ્થો સળગીને ખાખ થઈ ગયો હતા. આગ બુઝાયા બાદ દુકાનમાલિકે પોલીસને જાણ કરી હતી.
FSLની મદદ પણ લેવામાં આવી
આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાતા પોલીસ દ્વારા FSLની મદદ પણ લેવામાં આવી હતી. ઘટના સમયે ડીસીપી ઝોન વન સજનસિંહ પરમારે જણાવ્યું હતું કે FSLના પ્રાઇમરી રિપોર્ટમાં જે પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો, મહિલા જે પાર્સલ મૂકી ગઈ હતી એમાં રમકડાની બેટરી હતી. એ બેટરીમાં લિક્વિડ થવાના કારણે લિક્વિડ બેટરીના સંપર્કમાં આવતાં બ્લાસ્ટ થયો હતો. ત્યારે રમકડાની કારના ભૂકાનો કેટલોક ભાગ ગાંધીનગર એફએસએલ કચેરી ખાતે વધુ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે.