ખંભાત શહેરના કતકપુર નવીનગરીમાં જુગારના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસને ધક્કે ચડાવી  જુગારીઓ ભાગી ગયા હતા અને તે પૈકી એક જુગારીએ પોલીસની સાથે ઝપાઝપી કરી ટોળાનો લાભ લઈ અંધારામાં ફરાર થઈ જતા શહેર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ખંભાત શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કતકપુર નવીનગરી ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સ ગોળ કુંડાળો વળી હાર જીતનો જુગાર રમી રહ્યા છે.આ બાતમીને આધારે પોલીસે ટીમ બનાવી 11મી રાત્રીના રોજ દરોડો પાડયો હતો.આ દરોડામાં કેટલાક શખ્સ ગોળ કુંડાળો વળી જુગાર રમતા હતા જેઓ પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા.જોકે પોલીસે કોર્ડન કરી બે શખ્સને પકડી લીધા હતા અને બીજા અંધારાનો લાભ લઈ ભાગી ચૂક્યા હતા. પોલીસે પકડાયેલા બે શખ્સ ની પૂછપરછ કરતા તે કલ્પેશ વીરસિંહ ઉર્ફે વિનુ વાલ્મીક (રહે કતકપુર) જણાવ્યું હતું જ્યારે બીજાનું નામ પૂછતા અચાનક કલ્પેશ ઉશ્કેરાઈ ગયો હતો અને અમે જુગાર રમતા ન હતા, ફક્ત રમી રમતા હતા અને સમય પસાર કરતા હતા.પોલીસ ખોટી રીતે અમને પકડ્યા છે.તેમ કહી મોટે મોટેથી બુમા બુમ કરવા લાગ્યો હતો.જેના કારણે લોકો ભેગા થઈ ગયા હતા અને તે વખતે કલ્પેશે પોલીસ સાથે ઝપાઝપી કરી બાદમાં ટોળાનો લાભ લઈ અંધારામાં ભાગી ગયો હતો આમ પોલીસની ફરજમાં રૂકાવટ બદલ શહેર પોલીસના કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ કાનાભાઈની ફરિયાદને આધારે કલ્પેશ વીરસિંગ ઉર્ફે વિનુ વાલ્મીક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[સલમાન પઠાણ ખંભાત]