ગુજરાત પોલીસ ટીમ દ્વારા સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત કરી સાયબર ક્રાઇમથી બચવા માર્ગદર્શન આપવાની ઝુંબેશ ચલાવવા રાજય પોલીસ વડાએ આપી સુચના. વૃધ્ધાશ્રમની મુલાકાત લઇ પરિવાર સાથે ફરી મેળાપ કરાવવા પણ થશે પ્રયત્ન

સમાજમાં એવા ઘણા વરિષ્ઠ નાગરિકો હોય છે.જેમના સંતાનો એમની સાથે ન રહેતા હોય અને પરિણામે વરિષ્ઠ નાગરિક અથવા એક દંપતિ એકલા રહેતા હોય.

આવા નાગરિકો ઘણી વખત ગુનેગારો માટે સોફ્ટ ટાર્ગેટ બનતા હોય છે. હાલમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહેલ છે. તેનું મુખ્ય કારણ પ્રજાજનોમાં જાગૃતિનો અભાવ જણાય છે.

જેથી આવા વરિષ્ઠ નાગરિકોની સલામતીની પોલીસ ચિંતા કરે અને તેમની સુરક્ષા માટે એક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે હેતુથી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા

ગુજરાત રાજયમાં વસવાટ કરતા સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કરી સાયબર ક્રાઇમ બાબતે શિક્ષિત કરવા માટેતા.૧૧/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન એક વિશેષ સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન શરૂ કરવા નિર્ણય લેવામાં આવેલ છે.

આ ઝુંબેશમાં રાજ્યના તમામ જીલ્લા/શહેરોમાં આજ સુધીમાં સિટીઝન પોર્ટલ ઉપર આશરે ૮૧૦૦૦ કરતાં પણ વધુ વરિષ્ઠ નાગરિકોની નોંધણી થયેલ છે,

તેવા સિનિયર સિટિઝનોના નામ, સરનામા તથા અન્ય વિગતો મેળવી, SHE ટીમ દ્વારા તેઓના રહેણાંક પર જઇ પ્રત્યક્ષ સંપર્ક કરવામાં આવશે. આ મુલાકાત વખતે વરિષ્ઠ નાગરિકોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા માટે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ સુચનાપત્ર આપી,

તેમાંની વિગતો સમજાવવામાં આવશે. ખાસ કરીને સાયબર ક્રાઇમથી બચવા અજાણી લિન્ક પર ક્લિક ન કરવા, અજાણ્યા વિડીયો કોલ ન સ્વીકારવા, કોઈપણ વ્યકિતને પોતાની અંગત માહિતી ન આપવા, અજાણી કે અનઅધિકૃત વ્યકિતને કોઇપણ સંજોગોમાં OTP ન આપવા તેમજ કોઇ પણ પ્રકારના સાયબર ક્રાઈમનો ભોગ બનો તો ફરીયાદ માટે ત્વરિત ૧૯૩૦ ડાયલ કરવા જેવી સમજ આપવામાં આવશે.

આ ઝુંબેશને અસરકારક બનાવવા તમામ કાર્યવાહી ઉપર અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમના સુપરવિઝન રાખશે.

રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં કાર્યરત SHE ટીમ દ્વારા સિનિયર સિટીઝનની રૂબરૂ

મુલાકાત વખતે આપવામાં આવેલ સુચનાપત્ર ઉપરાંત સિનિયર સિટીઝનની સુરક્ષા માટે તથા તેઓને પડતી અન્ય મુશ્કેલીઓ બાબતે પણ જાણકારી મેળવી

ઉપરી અધિકારીને માહિતગાર કરવાના રહેશે. આ ઉપરાંત, સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન દરમ્યાન જે સ્થળોએ વૃધ્ધાશ્રમો આવેલા હોય,

તે સ્થળના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ તથા સંબંધિત DySP દ્વારા સંયુક્ત રીતે વૃધ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટિઝનની સૌજન્ય મુલાકાત લઇ, તેઓના કુટુંબીજનો સાથે કોઈ વિવાદ હોય તેવા કિસ્સાઓમાં સુમેળભરી રીતે વિવાદ ઉકેલવા પ્રયત્ન કરી, તેઓ પરત પોતાના પરિવાર સાથે રહી શકે તેવો પ્રયાસ કરવા માટે પણ ડી.જી.પી. વિકાસ સહાય દ્વારા સુચના આપવામાં આવી છે.

આજના ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઇમ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદાનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ સજ્જ છે.

રાજ્યમાં બનતા સાયબર ક્રાઇમને લગતા જટિલમાં જટિલ ગુનાઓ ત્ત્વરિત શોધી કાઢવા અને તેને અટકાવવા માટે સાયબર ક્રાઇમ દ્વારા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે,

 ત્યારે સાયબર ક્રાઇમથી બચવા માટે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનથી રાજ્યના સિનિયર સિટીઝન્સની સુરક્ષામાં વધારો થશે અને તેઓને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવી શકાશે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.