આણંદ શહેર રૂપાપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતિ નડિયાદ થી ડાયાબિટીસની દવા લઈને સ્કૂટર પર પરત ફરી રહ્યા હતા. ત્યારે શહેરના ઇન્દિરા સ્ટેચ્યુ પાસે લાંભવેલ તરફથી આવતા દંપતી ઉછળીને રોડ પર પટકાયા હતા. જેમાં વૃદ્ધ પતિ પર ડમ્પરનું પાછળનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અને વૃદ્ધ પત્નીને સામાન્ય ઇજાઓ થઈ હતી.

મળતી માહિતી અનુસાર આણંદ રુપાપુરામાં રહેતા દિલીપ ધુળાભાઈ ગોહિલ અને તેમની પત્ની મંગુબેન સવારે નડિયાદની હોસ્પિટલમાં ડાયાબિટીસની દવા લેવા માટે સ્કૂટર લઈને ગયા હતા.તેઓ દવા લઈને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આણંદ શહેરના ઇન્દિરા સ્ટેચ્યુ પાસે સ્કૂટર પસાર થઈ રહ્યું હતું. તે વખતે લાંભવેલ તરફથી આવતા ડમ્પરે પાછળથી ટક્કર મારતા વૃદ્ધ દંપતી ઉછળીને રોડ પર પટકાયા હતા. જેમાં દિલીપભાઈ પર ડમ્પરનો ટાયર ફરી વળતા નીચે કચરાઈ જતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મંગુબેનને સામાન્ય ઇજાઓ થઈ હતી.