મીઠાપુરના પ્રેમીયુગલે રાજકોટમાં ખંઢેરી નજીક સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જેને પગલે રાજકોટ રેલ્વે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં યુવક-યુવતીએ સજોડે આપઘાત કરી લેતાં કમકમાટીભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં.
આધાર કાર્ડને આધારે તપાસ ઓળખ મળી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, ખંઢેરી ગામ નજીક ટ્રેનના પાટા પર યુવક અને યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તેમના દ્વારા પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંનેના મૃતદેહ પાસેથી મળેલા આધાર કાર્ડને આધારે તપાસ શરૂ કરતાં બંનેની ઓળખ શક્ય બની હતી.
રવિવારથી લાપત્તા હતાં
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે યુવકનું નામ મહેન્દ્રસિંહ વાઘેલા અને યુવતીનું નામ સુમી કેર હતું. બંને મીઠાપુરના આરંભડા ગામનાં રહેવાસી હતા અને બંને રવિવારથી લાપત્તા હતાં. એ બાદ તેમણે સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી.તેમના પરિવારજનોને જાણ કરતાં બંનેના સ્વજનો રાજકોટ પહોંચ્યા હતાં અને મૃતદેહ ઓળખી બતાવ્યા હતાં.
વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો
પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું હતું કે, મૃતક મહેન્દ્રસિંહ વાઘેલા બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને ગામમાં જ આવેલી ફેક્ટરીમાં નોકરી કરતાં હતાં. જ્યારે સુમીબેન કેર ચાર બહેન તથા એક ભાઇમાં નાની હતી અને તેના પિતા રિક્ષાચાલક છે. મહેન્દ્રસિંહ અને સુમીબેન એક જ ગામમાં રહેતાં હોઇ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. પરંતુ સુમીબેનની છ મહિના પહેલા સગાઇ થઇ ચુકી હતી.
ગામમાંથી નીકળી ગયા હતાં
પ્રેમિકાની સગાઈ થઇ જતા હવે એક નહિ થઇ શકાય તેમ લાગતાં રવિવારે સવારે ગામમાંથી નીકળી ગયા હતાં. બંને બાઇક પર રાજકોટના ખંઢેરી પાસે આવ્યા હતાં અને ટ્રેન આવતી જોઇ બાઇક સાઇડમાં મુકી બંને એક સાથે ટ્રેન હેઠળ કૂદી જતાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં
દેહના ફુરચા ઉડી ગયા
બંનેએ ટ્રેન હેઠળ ઝંપલાવતાં દેહના ફુરચા ઉડી ગયા હતાં. હાલત એવી થઇ ગઇ હતી કે બંનેના મૃતદેહોને પોટલા વાળીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવા પડયા હતા. સ્વજનો હોસ્પિટલે પહોંચ્યા ત્યારે આ દ્રશ્યો જોઇ ઉંડા શોકમાં ગરક થઇ ગયા હતાં.
ટ્રેનની ઠોકરે ચડી જતાં વૃદ્ધનું મોત
રાજકોટ શહેરમાં ભકિતનગર રેલવે સ્ટેશન પાસે ગઇકાલે ટ્રેનની ઠોકરે ચડી જતાં વૃદ્ધનું મોત નીપજતાં માલવિયાનગર પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરતાં મૃતક રેલનગરમાં છત્રપતિ ટાઉનશિપમાં રહેતા હોવાનું અને સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝમાં કારખાનામાં મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્યું હતું. મૃતક પોતે કામ કરી ઘરે જતા હતા ત્યારે ટ્રેનના પાટા ઓળગવા જતાં ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં પોલીસે કાગળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
4 મહિના પહેલાં પણ આ જ પ્રકારની ઘટના બની
રાજકોટમાં 4 મહિના પહેલાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી, જેમાં વીરપુર અને કાગવડ વચ્ચે ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલે આપઘાત કર્યો હતો. એમાં કેશોદ પંથકની પરિણીત યુવતી અને ગોંડલ પંથકના યુવાન વચ્ચે પ્રેમસંબંધ બંધાયા બાદ પરિવારજનો એક થવા નહીં દે એવા ડરથી બન્નેએ સજોડે આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા.