વઢવાણ શહેરમાં બપોર બાદ મેઘરાજા વરસતા અંદાજે અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે શહેરના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરીવળ્યા હતા. શનિવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા સંતાકૂકડી રમતા દેખાયા હતા. પરંતુ બપોર બાદ વઢવાણ શહેરમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે અંદાજે અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો તેમજ રહેણાક વિસ્તારો ઉપર પાણી ફરી વળ્યા હતા

 સવારનાં વાદળછાયા વાતાવરણ તેમજ અસહ્ય બફારા બાદ બપોરનાં સમયે એકાએક વરસાદ વરસવો શરૂ થયો હતો. ત્યારે બપોરે અંદાજે એકાદ કલાકનાં સમયગાળામાં ધોધમાર વરસાદ પડતાં થોડો સમય વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને શહેરનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. આગામી સમયમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ છે.