પાવીજેતપુર તાલુકાના બારાવાડ ના છલિયા ઉપર નાનો પુલ બનાવવાની ૧૫ થી વધુ ગામોની જનતાની માંગ
પાવીજેતપુર તાલુકાના બારાવાડના છલિયાના કારણે ચોમાસા દરમિયાન ૧૫ થી વધુ ગામોની જનતાને પડતી હાલાકીને લઈ આ વિસ્તારની જનતા બારાવાડના છલીયાના સ્થાને નાનો પુલ બનાવવાની માંગ કરી રહી છે.
વર્તમાન સરકારે ઠેક ઠેકાણે ફોરલેન, સિક્સલેન રોડ બનાવી દીધા છે. મેટ્રો ટ્રેન ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પાવીજેતપુર તાલુકાના બારાવાડ વિસ્તારની જનતાને ૧૮મી સદીમાં જીવતા હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. આજે આધુનિક યુગમાં રોડ રસ્તાની પાયાની સુવિધા ઠેક ઠેકાણે આપવામાં આવી રહી છે ત્યારે પાવીજેતપુર તાલુકાના બારાવાડના છલિયાના કારણે ચોમાસામાં ૧૫થી વધુ ગામોનો જન સંપર્ક તાલુકા સ્થળેથી છૂટી જાય છે.
પાવીજેતપુર તાલુકાના બારાવાડ ગામ નજીકથી એક નદીનું કોતર વહે છે જેની ઉપર ચાર પાંચ ભૂંગળા નાખી છલિયુ બનાવી દેવામાં આવ્યું છે. જે ચોમાસા સિવાયના દિવસોમાં ખૂબ ઉપયોગી થાય છે પરંતુ ચાર છાંટા પડતા ની સાથે જ કોતરમાં પાણી આવતા બારાવાડ નું છલિયું પાણીમાં ડૂબી જાય છે જેના કારણે સામે બાજુના બારાવાડ, ખાંડીયા કુવા, ગૈડિયા, પોલનપુર, વાંટા, ખડકલા વગેરે ૧૫ થી વધુ ગામોનો રસ્તો જ બંધ થઈ જાય છે. સામે બાજુના ગામોમાં કોઈ વ્યક્તિ ચોમાસા દરમિયાન વધુ બીમાર થઈ જાય ત્યારે ૧૦૮ પણ તે વિસ્તારમાં જઈ શકતી નથી. આ છલિયા ના કારણે ચોમાસા દરમિયાન સામે બાજુ આવેલા પોતાના ખેતરોમાં પણ ખેડૂતો જઈ શકતા નથી. ૧૫ થી વધુ ગામોના વિદ્યાર્થીઓ ભણવા માટે શાળા કોલેજે પણ જઈ શકતા નથી.
આજે વિશ્વ કુદકે ને ભુશ્કે પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે પાવીજેતપુર તાલુકાના બારાવાડ વિસ્તારમાં ૧૫ થી વધુ ગામોની જનતાને બારાવાડ ના છલિયાના કારણે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. તો તંત્ર સજાગ બની યુદ્ધના ધોરણે છલીયા ના સ્થાને નાનું નાળુ બનાવી આપે તેવી આ વિસ્તારના ૧૫થી વધુ ગામોની જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે.