ડીસા નગરપાલિકાએ ડમ્પિંગ વેસ્ટ સાઈટને હવે બેસ્ટ સાઈટ બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં અલગ અલગ મશીનો થકી વેસ્ટ કચરાનું વિભાજન કરી રિસાયકલ કરવા માટેના મશીનો લગાવી રોજ હજારો ટન કચરાના નિકાલની વ્યવસ્થાના નિરીક્ષણ માટે ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમે રૂબરૂ મુલાકાત લીધી હતી.
શહેરોના વિકાસની સાથે સાથે કચરાની સમસ્યા પણ દરેક શહેર માટે પેચીદો પ્રશ્ન બની ગઈ છે.ડીસા શહેરમાંથી પણ રોજેરોજ ડોટ ટુ ડોર કચરો જમા થતો હતો.આ કચરાને નગરપાલિકા દ્વારા જુનાડીસા પાસે આવેલ ડંપિંગ સાઈડમાં એકઠો કરવામાં આવતો હતો.
જેના કારણે અત્યાર સુધી ત્રણ લાખ કરતા પણ વધારે કચરાનો જથ્થો જમા થઈ ગયો હતો ત્યારે હવે નગરપાલિકાએ આ કચરાના નિકાલ થકી વેસ્ટ માંથી બેસ્ટ સાઇટ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે નગરપાલિકા આ ડમ્પિંગ સાઈટ પર અત્યારે અલગ અલગ મશીનો લગાવી કચરાનું વર્ગીકરણ કરી તેમાંથી માટી, પ્લાસ્ટિક, કાગળ, લોખંડ સહિતની ચીજ વસ્તુઓ અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
જેમાં એક મશીનમાં શહેરમાંથી આવતા રોજે રોજ 50 ટન કચરાનો નિકાલ થશે જ્યારે અન્ય જે મશીન લગાવવામાં આવ્યા છે તેમાથી જૂનો જમા થયેલો 3 લાખ ટન કચરામાંથી રોજનો 1000 ટન કચરાનો નિકાલ કરવામાં આવશે.આ તમામ પ્રક્રિયાના નિરીક્ષણ માટે આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી અને ચીફ ઓફિસર પંકજ બારોટ સહિત નગર સેવકો અને પાલિકાની ટીમ ઉપસ્થિત રહી હતી
આ અંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ ડમ્પીંગ સાઈટ હતી પરંતુ હવે અહીં કચરાનો નિકાલ કરી ગાર્ડન બનાવવામાં આવશે, વૃક્ષારોપણ કરવામાં આવશે અને ડમ્પીંગ વેસ્ટ સાઈટને બેસ્ટ સાઇટ બનાવવામાં આવનાર છે.
જ્યારે નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આજથી અહીં બે ભાગમાં કચરાના નિકાલની પ્રક્રિયા હાથ ધરાઇ છે જેમાં એક મશીનમાં શહેરમાંથી રોજેરોજ ડોર ટુ ડોર કલેક્ટ થતો કચરાનો નિકાલ થશે જ્યારે બીજા મશીનમાં અત્યાર સુધી જમા થયેલા કચરામાંથી એક હજાર ટન કચરાનો રોજ નિકાલ કરવામાં આવશે.