સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કેદ અડાજણ પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટ હેઠળના આરોપીએ પ્રેમમાં હતાશ થઇ આપઘાત કર્યો હતો. માતા-પિતા અને સગીર પ્રેમિકાને ઉદ્દેશીને બે પેજની સુસાઇડ નોટ લખી હતી. ત્યારબાદ જેલમાં ટોઈલેટમાં એકઝોસ્ટ ફેન સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સુસાઈડ નોટમાં પ્રેમિકાને ઉદ્દેશીને લખ્યું હતું કે, હું તને બહુ પ્રેમ કરું છું, શક્ય હોય તો દર મહિને મારાં મમ્મી-પપ્પાને મળતી રહેજે.
ટોઈલેટમાં એક્ઝોસ્ટ ફેન સાથે ચાદર બાંધી ફાંસો ખાધો
અડાજણ પોલીસમાં ગત સપ્ટેમ્બર 2022માં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગુનાના આરોપી અવિનાશ ઉર્ફે અવી કાશીનાથ સામુદ્રે (ઉ.વ. 23 રહે. લોનખેડા, તા. સહાદા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર) 20 ફેબ્રુઆરી 2023થી લાજપોર મધ્યસ્થ જેલમાં યાર્ડ નં. 10ની બેરેક નં. 4 માં કેદ હતો. ગત રાતે 2.15 કલાક ઊંઘમાંથી ઊઠેલો અવિનાશ ટોઈલેટમાં ગયો હતો અને એક્ઝોસ્ટ ફેન સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ લીધો હતો.
આરોપીને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો
દસેક મિનિટ બાદ તેની બેરેકનો કેદી પણ ટોઈલેટમાં જતા તેની નજર અવિનાશ ઉપર પડતા તરત જ અન્ય કેદી અને જેલ અધિકારીને જાણ કરી હતી. અવિનાશને તાત્કાલિક જ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા સચિન પોલીસ અને જેલના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.
માતાને ઉદ્દેશીને લખ્યું- બીજા જન્મમાં હું તમારો દીકરો બનીને આવીશ
અવિનાશના પેન્ટના ખિસ્સામાંથી માતા-પિતા અને તેની સગીર પ્રેમિકાને ઉદ્દેશીને લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. અવિનાશે આપઘાત કરતા પૂર્વે લખેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મમ્મી-પપ્પા મને માફ કરજો, આ જન્મમાં હું તમારો સારો દીકરો નહીં બની શક્યો અને સેવા પણ કરી શક્યો નથી. પરંતુ બીજા જન્મમાં હું તમારો દીકરો બનીને આવીશ. નાના ભાઇ ભાણાને ભણાવજો અને સારો દરજ્જો અપાવજો, મને માફ કરજો. જ્યારે તેની પ્રેમિકાને ઉદ્દેશીને લખ્યું છે કે, આ જીવનમાં આપણે સાથે નહીં રહી શક્યા તેનો અફસોસ છે, હું તને બહુ પ્રેમ કરું છું, શક્ય હોય તો દર મહિને મારાં મમ્મી-પપ્પાને મળતી રહેજે અને મારા ગયા પછી તું દુઃખી થઇશ નહીં.