પાવીજેતપુર તાલુકાની પાણીમાઈન્સ ચોકડી ઉપર કદવાલ પોલીસે નાકાબંધી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ ૬૩૦ કિંમત રૂપિયા ૮૯,૭૫૪/- તેમજ જે ગાડીમાં દારૂ લઈ જવાતો હતો તે ગાડી ની કિંમત 3 લાખ રૂપિયા અને પાયલોટિંગ માટે વપરાયેલ કારની કિંમત ૧ લાખ મળી કુલ ૪,૮૯,૭૫૪/- ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપીઓ દૂરથી પોલીસને નિહાળી ભાગી જવામાં સફળ થયા હતા.
છોટાઉદેપુર એલસીબી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે છોટાઉદેપુર તરફથી એક સફેદ કલરની કાર પાયલોટિંગ કરી તેની પાછળ સફેદ કલરની બીજી મોટી કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવનાર છે જે હકીકતના આધારે તેજગઢ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી બાતમી વાળી કારો આવતા પોલીસે ગાડીઓ રોકવા માટે હાથ કર્યો હતો પરંતુ આ કારચાલકો પોતાની ગાડીઓ ન રોકી પૂરપાટ ઝડપે કીકાવાડા રોડ તરફ નાસી ગયેલ પોલીસે તેઓનો પીછો કર્યો હતો. ડુંગરવાંટ થઈ કદવાલ તરફ આ ગાડીઓ જતી હોય ત્યારે કદવાલ પોલીસને જાણ કરતા કદવાલ પીએસઆઇ પોતાના સ્ટાફ સાથે પાણીમાઈન્સ ચોકડી ઉપર નાકાબંધી કરી દીધી હતી. આ નાકાબંધી દરમિયાન પાયલોટિંગ વાળી ગાડી આવતા પોલીસે હાથ કરતા ગાડી થોડી દૂર ઊભી રહી ગઈ હતી જેમાંથી બે માણસો ઉતરી નાસી ગયા હતા. પાયલોટિંગ વાળી કારનો ચાલક પકડાઈ ગયો હતો જ્યારે દારૂ ભરેલી આવતી ગાડી દૂરથી જ પોલીસને નિહાળી રોડની બાજુ પર ગાડી ઉભી રાખી, ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો.
કદવાલ પોલીસે પાઇલોટિંગ વાળી કાર ના ચાલક સુનિલભાઈ વીરસીંગભાઇ રાઠવા ( રહે. વાંકોડ,તા. ઘોઘંબા, જી. પંચમહાલ ) ની ધરપકડ કરી લેવામાં આવી હતી. પાછળ આવતી ગાડીની અંદર તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૬૩૦ જેની કિંમત રૂપિયા ૮૯,૭૫૪/- હોય તેમજ પાયલોટિંગ માં વપરાયેલ કાર તથા દારૂ ભરેલ કાર બંનેની કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦/- મળી કુલ ૪,૮૯,૭૫૪/- ના મુદ્દામાલ સાથે આરોપી સુનિલભાઈ રાઠવા ને પકડી લેવામાં આવ્યો હતો. સુનિલભાઈ ને વધુ પૂછતા તેઓએ આ માલ મારો છે એમ જણાવ્યું હતું. તેમજ પાયલોટિંગ વાળી કારમાં બેઠેલા તેઓના જ ગામના નિલેશભાઈ રૂમાલભાઈ રાઠવા તથા પિન્ટુભાઇ રમેશભાઈ રાઠવા ભાગી ગયા હતા. જ્યારે મધ્યપ્રદેશના કઠીવાડાના રહીશ ભાવસિંહ રેસલાભાઇ બામણીયા દૂરથી જ પોલીસને નિહાળી દારૂ ભરેલી ગાડી મૂકી ભાગી ગયા હતા.
આમ, પાવીજેતપુર તાલુકાના પાણીમાઈન્સ ચોકડી ઉપરથી ૮૯,૭૫૪/- રૂપિયાનો વિદેશી દારૂ તથા બે ગાડી ની કિંમત ₹૪,૦૦,૦૦૦/- મળી. કુલ ૪,૮૯,૭૫૪/- ના મુદ્દા માલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપીઓ દૂરથી જ પોલીસને નિહાળી ભાગી જવામાં સફળ થયા હતા.