કેરાલાના પશુપાલન મંત્રી શ્રીમતી જે. ચીંચુરાનીએ પાલનપુર ખાતે બનાસ ડેરી અને બાદરપુરા તથા દામા ખાતે ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી

બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લઈ ગુજરાતના સહકારી માળખાની સરાહના કરતા કેરાલાના પશુપાલન મંત્રીશ્રી

          કેરાલા રાજ્યના પશુપાલન અને ડેરી વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી જે. ચીંચુરાનીએ પાલનપુર ખાતે બનાસ ડેરી અને જિલ્લામાં આવેલા બાદરપુરા અને દામા ખાતે ડેરીના વિવિધ પ્લાન્ટસની મુલાકાત લઈ ગુજરાતના સહકારી માળખાની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, સૂકા રણ વિસ્તારમાં બનાસ ડેરી ખુબ સરસ કામ કરી રહી છે જેના વિશે અમે વિચારી પણ શકતા નથી. તેમણે પાલનપુર ખાતે બનાસ ડેરીના ચીજ અને વ્હે પ્લાન્ટની મુલાકાત લઇ બાદરપુરા ખાતે આવેલ મધ પ્લાન્ટ અને ટેક હોમરેશન પ્લાન્ટમાં આંગણવાડીના બાળકો અને સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે બનાવવામાં આવતા બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ પેકેટનું નિરીક્ષણ કરી રાજ્ય સરકારની પોષણ યોજનાની માહિતી મેળવી હતી.

          કેરાલાના પશુપાલન મંત્રીશ્રીએ ડીસા તાલુકાના દામા ખાતે આવેલ બાયો સીએનજી પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. પશુઓના છાણમાંથી સીએનજી બનાવતા આ પ્લાન્ટની મુલાકાત લઈ તેમણે ગોબરધન પ્રોમ, સેન્દ્રીય ખાતર, ગોબરધન અમૃત અને કૃષિ સંજીવની જેવા બનાસ ઘન અને પ્રવાહી ઓર્ગેનિક ખાતર બનાવવાની પ્રક્રિયા અને વેચાણ વ્યવસ્થા વિશે માહિતી મેળવી હતી.

          મંત્રીશ્રીના બનાસ ડેરી ખાતે આગમન વેળાએ બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી ભાવાભાઈ રબારી અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી સંગ્રામસિંહ ચૌધરીએ તેમનું સ્વાગત કરી ડેરીના વિકાસ વિશે માહિતી આપી હતી. મંત્રીશ્રીની મુલાકાત પ્રસંગે નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. જે. પી. મજેઠીયા, ડેરીના ચીફ ઓપરેશન ઓફિસરશ્રી કામરાજભાઈ ચૌધરી સહિત ડેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.