નવનિયુક્ત કલેકટરે ચાર્જ સંભાળ્યો: બનાસકાંઠા કલેકટર તરીકે વરુણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો, પૂર્વ કલેકટર આનંદ પટેલનો વિદાય સમારંભ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલની રાજકોટ મ્યુનિસીપલ કમિશનર તરીકે બદલી થતાં જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ દ્વારા પાલનપુર ખાતે તેમના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નવનિયુક્ત કલેક્ટર વરૂણકુમાર બરનવાલનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ વિદાય લઇ રહેલા કલેક્ટર આનંદ પટેલને શ્રીફળ, સાકર આપી શાલ ઓઢાડી નવી ઇનિંગની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે નિવાસી અધિક કલેક્ટર આર. એન. પંડ્યાએ નવનિયુક્ત કલેક્ટર વરૂણકુમાર બરનવાલને બુકે અને મોમેન્ટો આપી આવકાર આપ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કલેક્ટર આનંદ પટેલે પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની લાગણીશીલ પ્રજાને નતમસ્તક વંદન કરી અહીંથી વિદાય લઇ રહ્યો છું. આ જિલ્લાના લોકો સરકારી તંત્રને ખૂબ આદર અને સન્માન આપે છે. આ જિલ્લાના લોકો સાથે લાગણીના તાંતણે બંધાયો છું. અહીંની પ્રજા સાથે સાથે રેવન્યુનો સ્ટાફ પણ સમગ્ર રાજ્યમાં બેસ્ટ સ્ટાફ હોવાનું કહી ટીમ બનાસકાંઠાના કાર્યોની તેમણે પ્રશંસા કરી હતી. જે વ્યક્તિઓ સાથે ઋણાનુંબંધ હોય તેમની સાથે જીવનમાં કામ કરવાનું બનતું હોય છે. આ જિલ્લો ખુબ વિશાળ હોવાથી અનેક પડકારો પણ હતા, પરંતુ સહુના સાથ સહકારથી સંતોષકારક રીતે ફરજ બજાવી શક્યો છું. મારી સરકારી સેવા દરમ્યાન કચ્છ, ભરૂચ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પડકારોની વચ્ચે કામ કરવાની સાથે ઘણું નવું શિખવા પણ મળ્યું છે. મા અંબાના ધામ બનાસકાંઠા જિલ્લા પર માતાજીના કાયમ આશીર્વાદ રહ્યા છે. આ જિલ્લામાં કામ કરવાના આત્મસંતોષ સાથે અહીંથી જઇ રહ્યો છું.