અમીરગઢ નજીક હોટલ કોરોના પાસે બાઈક અકસ્માતમાં પગે ફ્રેકચર થયેલા દર્દીને ઓપરેશન બાદ સ્વસ્થ થતાં પાલનપુર જનરલ હોસ્પિટલમાંથી રજા અપાઇ
બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની એકમાત્ર સંસ્થા જનરલ હોસ્પિટલ પાલનપુર અત્યંત આધુનિક તબીબી સારવાર આપવામાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોખરે છે. બનાસ મેડીકલ કોલેજના ચેરમેનશ્રી પી. જે. ચૌધરીના જણાવ્યા મુજબ બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે ત્યારે ઇકબાલગઢ- અમીરગઢ હાઈવે ઉપર આવેલ હોટેલ કોરોના નજીક રાત્રિના સમયે બાઈક સાથે રોડ અકસ્માતમાં બાઈકના પાછળના ભાગે બેઠેલા સવારને ગંભીર ઇજાઓ થતાં તત્કાલીન ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત પાલનપુર જનરલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર ખસેડવામાં આવ્યા હતા.
જનરલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ર્ડા. સુનીલ જોષીના માર્ગદર્શન મુજબ અમીરગઢ તાલુકાના આ વ્યક્તિ ગત તારીખ ૧૪ માર્ચ-૨૦૨૩ના દિવસે રાત્રિના સમયે અજાણ્યા બાઈક પરથી ઘરે જતા હતા ત્યારે અચાનક અન્ય બાઈક સાથે રોડ અકસ્માત થતાં જમણા પગે ફેક્રચર થઇ જતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાત્રે ૯.૦૦ વાગે સિવિલ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, દર્દીને લોહીલુહાણ હાલતમાં સિવિલમાં લાવવામાં આવ્યા ત્યારે દર્દીના પગના ભાગમાં વહેતું લોહી બંધ કરીને બાદમાં જમણા પગે ટાંકા ભરીને ત્યાંથી ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કરાયા હતા. ત્યાંના તબીબેએ જરૂરી ટ્રીટમેન્ટ આપી દર્દીના તમામ રીપોર્ટ તેમજ એક્સ-રે કરાવ્યા બાદ પાંચ દિવસની લાંબી સારવાર બાદ તારીખ ૨૦/૦૩/૨૦૨૩ ના દિવસે પગનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
તબીબોએ બે તબક્કામાં ઓપરેશન કર્યું, જેમાં પ્રથમ તબક્કામાં હાડકું બેસાડીને ચામડીના ટાંકા લેવામાં આવ્યા અને ચાર દિવસ બાદ રસી ઉપર કાબુ મેળવી બીજા તબક્કામાં પગમાં સળીયો નાંખી પાંચ જેટલા નજીવા ટાંકા લઈને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું ત્યારબાદ તબીબી સલાહ પ્રમાણે દર્દીને બીજા દિવસથી પગ વાળવાની સલાહ આપવમાં આવી હતી. જે બાદ દર્દીને પાંચ દિવસ પછી પગ ઉપર વજન મૂકી ચાલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં હાડકા વિભાગના ડો. મંથન સોની, ડો. આશિષ પુરોહિત, ડો. વત્સલ જોશી તેમજ તેમની ટીમ સહિત નર્સિગ સ્ટાફ ખડેપગે કામગીરી કરી હતી. દર્દી સંપૂર્ણ સ્વસ્થ રજા આપવામાં આવતા દર્દીના પરિવારજનોએ જનરલ હોસ્પિટલ પાલનપુરનો આભાર વ્યક્ત કર્યો હતો