જૂનાગઢ કોરોના સામે સાવચેતીના પગલાં લઈ તૈયારી આરંભી
સિવીલમાં 100થી વધુ આઇસીયુ બેડ તૈયાર કરી સ્ટાફને સજ્જ કરાયો
કોરાનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે ત્યારે કોરોના સામે જંગ લડવા જૂનાગઢ સિવીલ હોસ્પિટલ એલર્ટ મોડ પર
કોઇ મુશ્કેલી ન પડે તે માટે દવા, પીપીઇ કીટ, માસ્ક વગેરેનો પુરતો સ્ટોક કરી લેવાયો 1181 ઓક્સિજન સાથેનાં બેડની ક્ષમતા
કોરોના મહામારીમાં ફરી ઉછાળો આવ્યો છે ત્યારે તેની સામે જંગ લડવા જૂનાગઢ સિવીલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઇ ગયું છે. સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે. દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું હોય કોરોનાના દર્દીની સંખ્યામાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. કેટલાક દર્દીઓએ કોરોનાના કારણે અંતિમ શ્વાસ પણ લીધા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસ હજુ વધુ જોવા મળ્યા નથી. તેમ છતાં સાવચેતીના પગલાંરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ અંગે સિવીલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો.નયનાબેન લકુમે જણાવ્યું હતું કે, કોરોના સમગ્ર રાજ્યમાં ફેલાઇ રહ્યો છે ત્યારે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં તેની સામે લડવા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. હાલ સિવીલમાં 100 થી વધુ વેન્ટિલેટર બેડ સાથેનો આઇસીયું વોર્ડ બનાવાયો છે. જેથી કોરોના મહામારીના કેસ વધે તો પણ દર્દીઓને હેરાન થવું ન પડે. આ ઉપરાંત જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં 1181 બેડની વ્યવસ્થા છે. જે તમામ ઓક્સિજન સાથેના બેડ છે. સમગ્ર સેન્ટ્રલ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. જેથી દર્દીઓને ઓક્સિજન લેવા માટે અહીં તહીં ભટકવું ન પડે તેવી તમામ તૈયારી કરી લેવાઇ છે.
કેશોદનો કોરોના દર્દી દાખલ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યો
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં હાલ માત્ર એક જ કોરોનાનો દર્દી દાખલ છે. કેશોદના આ દર્દીની સારવાર કરાઇ રહી છે. તેને આઇસોલેશન વોર્ડમાં રખાયો છે અને પુરતી કાળજી લેવાઇ રહી છે.
દરરોજના 350થી વધુ આરટીપીસીઆર ટેસ્ટ
જૂનાગઢ સિવીલમાં આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી થઇ રહી છે. હાલ 4 થી 5 મશીન છે. દરરોજના 350 થી વધુ આરટીપીસીઆર ટેસ્ટ થઇ રહ્યાં છે. મશીનની સંખ્યા પ્રમાણે કોરોનામાં દરરોજના 350 થી વધુ આરટીપીસીઆર ટેસ્ટ થતા હતાં. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ આરટીપીસીઆર ટેસ્ટ બી.જે.મેડિકલ કોલેજ સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે થતા હતાં. ત્યારબાદ સૌથી વધુ આરટીપીસીઆર ટેસ્ટમાં જૂનાગઢનો રાજ્યમાં બીજો નંબર રહ્યો છે. હાલ જુનાગઢ જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ માં ઓક્સિજનના 3 પ્લાન્ટ કાર્યરત છે. લિક્વિડ ઓક્સિજનની 20 એમપી સંગ્રહ કરીને રાખાયો છે. કોઇપણ મુશ્કેલી ઉભી થાય તો તરત સારવાર આપી શકાય.તેવુ જૂનાગઢ સિવીલ સુપ્રિટેન્ડેન્ટ નયનાબેન લકુમ દ્વારા જણાવાયું હતું.
શૈલેષ પટેલ....... જૂનાગઢ