મહુવા તાલુકાના આમચક ગામે છેલ્લા ઘણા સમયથી દીપડા દેખાવાની તેમજ મરઘાં અને કુતરાનો શિકાર કરવાની ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ખેતરમાં દીપડો બિનદાસ્ત ફરતો નજરે પડતા ખેડૂતો ભયભીત બની ગયા હતા જેથી આમચક ગામના સરપંચ હિતેશભાઈને જાણ કરાતા આમચક સરપંચ દ્વારા મહુવા વન વિભાગને જાણ કરી પાંજરુંમુકવાની રજુઆત કરી હતી જે રજુઆત આધારે મહુવા વન વિભાગ દ્વારા ત્વરિત આમચક મણિનગર ફળિયામાં રહેતા હેમંતભાઈ નાયકના ખેતર નજીક પાંજરું મૂક્યું હતું અને તેમાં મારણ તરીકે મરઘી મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.તા.03.04.2023 ને સોમવાર ના રોજ વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરા નજીક આવ્યો હતો અને મારણ તરીકે મુકેલ મરઘી જોઈ લલચાઈ ગયો હતો.જે ખાવા જતા આબાદ રીતે પાંજરામાં ઝડપાઇ ગયો હતો.પાંજરે પુરાયેલા દીપડા ની ત્રાડો સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.દીપડો પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો અને પાંજરે પુરાયેલા દીપડાને જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ત્યારબાદ ત્વરિત વન વિભાગને જાણ કરી હતી વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે  આવી વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલા દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.