બાઈક સંપૂર્ણ બળીને ખાખ થયું: ડીસાના વાસણા પાસે પાર્ક કરેલા બાઈકમાં આગ લાગતા અફડાતફડી; લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

ડીસા તાલુકાના વાસણા ગામનો યુવાન પોતાના કામ અર્થે કુળદેવી સ્ટોરેજ ખાતે વાસણા ગયો હતો. ત્યાંથી મોડી સાંજે પોતાનું કામ પતાવી ઘરે જઇ રહ્યો હતો. હાઈવે પર બાઈક પાર્ક કરી સામાન લેવા દુકાનમાં ગયો હતો. ત્યારે અચાનક શોર્ટ સર્કિટના કારણે બાઈકમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી.

ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને આજુ બાજુથી પાણી લાવી આગને બુઝાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાઈક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું.બાઈક સવાર યુવક બાઈક પાર્ક કરીને સામાન લેવા ગયો તે સમયે આગની ઘટના બનતા સદનશીબે મોટી જાનહાની ટળી હતી. પરંતુ આગમાં બાઈક સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા બાઈક માલિકને 40 હજારથી વધુનું નુકસાન વેઠવું પડ્યું છે.