ખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠક ગતરોજ નગરપાલિકા હોલ ખાતે યોજાઈ હતી જેમાં વર્ષ 2023 24 નો બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.બજેટમાં કુલ આવેલ 8, 91,31,000 સામે ખર્ચ 81,61,76,501 દર્શાવાયું હતું.જોકે 29 લાખની પૂરાંત વાળા બજેટ અંગે વિપક્ષ સાથે કોઈ ચર્ચા કે વિસ્તારથી જાણકારી આપવાના બદલે શાસક પક્ષે પાંચ મિનિટમાં બોર્ડ બેઠક આટોપી લીધી હતી. જેથી વિપક્ષ દ્વારા સૂત્રોચાર સાથે વિરોધ વ્યક્ત કરાયો હતો.

આ અંગે વિપક્ષના કાઉન્સિલર ઇફ્તેખાર યમનીએ જણાવ્યું હતું કે, કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે બજેટ બોર્ડ યોજવા સાથે વિપક્ષને ચર્ચા કરવાનો સમય આપવામાં આવે. આજે અમે વિપક્ષે વારંવાર રજૂઆત કરી છતાં પણ બોલવા માટે કોઈ તક આપવામાં આવતી નથી. આજે અમે શાસક પક્ષની પોલમપોલ અંગેના પુરાવા સાથે આવ્યા હતા પણ પ્રશ્નો અને રજૂઆત કરવા દીધી ન હતી. અને પાંચ મિનિટમાં બોર્ડ બેઠક આટોપી લીધી છે.જે અંગે અમોએ અરજી આપી જણાવ્યું છે કે,. ત્રણ દિવસથી ફરીથી બોર્ડ બેઠક બોલાવવામાં આવે અને બજેટ અંગે ચર્ચા કરવામાં આવે.જો આમ નહીં કરવામાં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરીશું.

આ અંગે નગરપાલિકા પ્રમુખ કામિનીબેન ગાંધીએ જણાવ્યું હતું કે, આજે રજુ થયેલ બજેટમાં ખંભાત વાસીઓની સુવિધા અને હિત માટેના નિર્ણયો લેવાયા છે.જો કે વિપક્ષની માંગણી હતી કે બોર્ડ બેઠક અગાઉ તેમના સાંભળવામાં આવે પરંતુ અમે કહ્યું હતું કે બોર્ડ બેઠક પૂર્ણ થયા બાદ તમારા પ્રશ્નો અંગે ચર્ચા કરીશું અથવા લેખિતમાં આપો પરંતુ વિપક્ષના કેટલાક કાઉન્સિલર હોલમાં જ ફાઇલો ફાડીને કરેલ સભ્ય વર્તન અયોગ્ય છે.

(સલમાન પઠાણ-ખંભાત)