ખંભાત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામ નવમી પર્વ નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સઘન આયોજન હાથ ધરી રામનવમી પર્વની શોભાયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવું આગોતરા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખંભાત પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રૂટ માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાવામાં આવ્યું હતું.
મળતી માહીતી મુજબ, ખંભાતમાં પોલીસ બંદોબસ્ત ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો જેમાં 2 ડીવાયએસપી,6 પી.આઇ, 8 પીએસઆઇ, 240 પોલીસ, એક કંપની એસઆરપી, 100 હોમગાર્ડ, 30 દૂરબીન, 40 હેન્ડસેટ, ચાર પ્રિઝમ વાહન, પોલીસ પેટ્રોલિંગ વાહન, 5 વિડીયોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચાર વિડિયોગ્રાફર, ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા, બોડી વોર્ન, કેમેરાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ.સીસીટીવી મેપિંગની મદદથી કંટ્રોલ સેન્ટરમાં સતત સુપરવિઝન પણ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ખંભાત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શકરપુર રામજી મંદિરેથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જે બાદ તે શોભાયાત્રા ગોપાલ સર્કલ, સરદાર ટાવર રોડ પાણીહારી, ત્રણ દરવાજા, ચિતારી બજાર, પીઠ બજાર ઝંડા ચોક, સહિતના જાહેર માર્ગો ઉપર કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાઓ જોડાયા હતા.વહેલી સવારે રામજી મંદિરે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ ભક્તોએ દર્શનનો લાભો લીધો હતો .
(સલમાન પઠાણ-ખંભાત)