હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગાયત્રી મંદિર રોડ પરના ઓમ બંગ્લોઝ પાસેથી સોમવારે સવારના સુમારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો પૈકી એક શખ્સે ચાલતા જતાં મહિલાના ગળામાંથી અંદાજે રૂા. ૮ર હજારની કિંમતના દોઢ તોલા સોનાના દોરાની તફડંચી કરી લૂંટ કરી ગયાની ફરિયાદ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

 આ અંગે ઓમ બંગ્લોઝમાં રહેતા શારદાબેન બાબુભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ સોમવારે સવારના સુમારે તેણી ગાયત્રી મંદિર રોડ પર થઈને ચાલતા જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખ્સો પૈકી બાઈકની પાછળ બેઠેલ એક શખ્સે સિફતપૂર્વક શારદાબેનના ગળામાંથી રૂા. ૮ર હજારની કિંમતના દોઢ તોલા સોનાના દોરાની ઝાટકો મારી તોડી લઈ લૂંટ કરી ભાગી ગયો હતો. શારદાબેને બૂમાબૂમ કરવા છતાં બાઈક પર આવેલા બંને અજાણ્યા શખ્સો ભાગી ગયા હતા.ત્યારબાદ શારદાબેને એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોનાના દોરાની લૂંટ થયાની ફરિયાદ નોંધાવી હતી.