ડીસા-પાટણ હાઇવે પર જૂનાડીસા અને ભોપાનગર વચ્ચે આવતી રેલવે ફાટક ટ્રાફિક સમસ્યાનો કાયમીનો માથાનો દુખાવો બની ગઈ છે. પાલનપુર-ગાંધીધામ રેલવે લાઈન પસાર થાય છે.આ રેલવે લાઈન પેસેન્જર ટ્રેન અને માલવાહક ગાડીઓથી દિવસભર વ્યસ્ત હોવાના કારણે વારંવાર ફાટક બંધ થાય છે. જ્યારે ફાટક બંધ થાય છે ત્યારે બંને તરફ વાહનો સામસામે આવી જાય છે.

જેથી રોંગ સાઈડમાં આવેલા વાહનોના કારણે ફાટક ખુલે ત્યારે પણ વાહન નીકળવાની જગ્યા રહેતી નથી. જેના કારણે ફાટક ખુલ્યા બાદ પણ કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. જેમાં અનેક વખત દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે. જ્યારે ડીસા-પાટણ રૂટની એસટી બસો હંમેશા પોતાના શિડ્યુલ ટાઈમ પ્રમાણે પહોંચી શકતી નથી.

જેથી આ ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની તાતી જરૂરિયાત છે અને જ્યાં સુધી રેલવે ઓવર બ્રિજ ન બને ત્યાં સુધી અહીં પોલીસનો કાયમી બંદોબસ્ત મુકાય તો ફાટક બંધ થાય ત્યારે વાહનોને એક કતારમાં ઉભી રાખી શકાય અને રોંગ સાઈડ વાહનો ન આવે તો ફાટક ખુલે તો થોડી જ વારમાં ટ્રાફિક ક્લીયર થઈ જાય તેમ છે. જેથી અહીં કાયમી પોલીસ બંદોબસ્ત મુકાય તેવી પણ લોકોની  માંગ છે.