બનાસકાંઠા જિલ્લા આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા દાંતા ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો યોજાયો: ૭૦૦૦ લાભાર્થીઓએ આરોગ્ય સુવિધાનો લાભ લીધો
બનાસકાંઠા જિલ્લા આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા અંબે માતા મંદિર, આઝાદ ચોક દાંતા ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમા દાંતાના પ્રાંત અધિકારીશ્રી સિદ્ધીબેન વર્માએ દીપ પ્રાગટ્ય કરી ધન્વંતરી સ્તુતિ સાથે મેળાને ખુલ્લો મુકયો હતો. જેમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.
મેળા દરમ્યાન આયુર્વેદ નિદાન સારવાર વિભાગના ૧૮૮ લાભાર્થી, હોમિયોપેથી નિદાન સારવારના ૧૫૨ લાભાર્થી, યોગ નિદર્શન કેમ્પના ૮૦૩ લાભાર્થી, અગ્નિકર્મના ૨૧ લાભાર્થી, આયુષ પ્રદશનીના ૪૧૨૦ લાભાર્થી, પ્રકૃતિ પરીક્ષણના ૩૫ લાભાર્થ, ઉકાળાના ૭૭૫ લાભાર્થી તથા અન્ય લાભાર્થી ૧૦૦૬ એમ કુલ ૭૦૦૦ થી વધુ લોકોએ મેળાનો લાભ લીધો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. જે.એન. મોઢ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોદન કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર મેળાનુ સંચાલન તાલુકા નોડલ ઓફિસર ડો. જયંતી પ્રજાપતી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાંતા મામલતદારશ્રી હર્ષાબેન રાવળ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આરોગ્ય અધિકારીશ્રી, દાંતાના સરપંચશ્રી હરપાલસિંહ રાણા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જિલ્લા પંચાયત બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.