ડીસામાં સ્તન કેન્સર નિદાન-સારવાર કેમ્પ યોજાયો: રોટરી ક્લબ ડીસા ડીવાઈન અને સ્ત્રી સમાજ દ્વારા આયોજન, 255 મહિલાઓની તપાસ કરાઈ

બનાસકાંઠા સહિત દેશભરમાં મહિલાઓમાં સ્તન કેન્સરના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને દર 13 મિનિટે એક સ્ત્રી સ્તન કેન્સરના કારણે મૃત્યુ પામે છે. જેને અટકાવવા માટે સ્ત્રી સમાજ ડીસા અને રોટરી ક્લબ ડીસા ડિવાઇન છેલ્લા ઘણા સમયથી અભિયાન ચલાવી રહ્યા છે. જે અંતર્ગત આજે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સ્તન કેન્સર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ડીસા સહિત જિલ્લામાંથી 255 જેટલી મહિલાઓએ આ કેમ્પનો લાભ લઇ પોતાનું ચેકઅપ કરાવ્યું હતું. જેમાં 113 ગર્ભાશયના મુખના કેન્સર ગ્રસ્ત મહિલાઓની તપાસ કરી યોગ્ય સારવાર અપાઈ હતી. જ્યારે 22 જેટલી મહિલાઓમાં શંકાસ્પદ લક્ષણો જણાતા મેમોગ્રાફી કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને સ્ત્રી સમાજ દ્વારા છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયા મારફતે પણ મહિલાઓને જાગૃત કરવામાં આવી રહી હતી અને શરીરમાં કોઈપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો જણાય તો તપાસ કરવા માટે અપીલ કરી હતી. જેથી ડીસા તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ સ્તન કેન્સરને શરૂઆતના સ્ટેજમાં જ ડામી મહિલાની જિંદગી બચાવી શકાય. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇનના પ્રમુખ ડો. બિનલબેન માળી હિનાબેન અગ્રવાલ, સ્ત્રી સમાજના પ્રમુખ ડો.કાવેરીબેન પટેલ, દીપિકાબેન ખાત્રી અને ડૉ. રીટાબેન પટેલ ,અનુવીબેન શાહ અને કાંતાબેન પટેલ સહિત ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.