ડીસામાં દિન દહાડે લૂંટ: સોના-ચાંદીની દુકાનમાંથી દાગીના લઈ ફરાર, વેપારીઓએ પીછો કર્યો પણ શખ્સ બાઈક પાછળ બેસી નાસી ગયો, લૂંટ કરી ભાગતો શખ્સ CCTVમાં કેદ

ડીસાની સોની બજારમાં સોની ગૌરીબેન આયદાનજી નામની સોના ચાંદીની ફેન્સી દાગીનાની દુકાન આવેલી છે. જેમાં વેપારી આયદાનજી સોની બપોરના સમયે એકલા બેઠા હતા. તે સમયે એક અજાણ્યો શખ્સ દાગીના લેવા માટે દુકાનમાં આવ્યો હતો અને વેપારી દાગીના બતાવી રહ્યા હતા. તે સમયે સોનાના દાગીનાની એક ડબી લઈ આ શખ્સ નાસવા લાગ્યો હતો. અચાનક લૂંટ કરી ભાગતા શખ્સને જોઈ વેપારીએ બૂમાબૂમ કરતા આજુબાજુના વેપારીઓ દોડી આવી શખ્સનો પીછો કર્યો હતો. પરંતુ અજાણ્યો શખ્સ એક બાઈક પાછળ બેસી ફરાર થઈ ગયો હતો. જે અંગે વેપારીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ કરી હતી અને અંદાજિત દોઢ લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ આચરી ફરાર થનાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે.