આર્મી જવાનને અંતિમ વિદાય: દાંતીવાડાના ધાનેરીમાં નીકળેલી જવાનની અંતિમયાત્રામાં ગામ આખું જોડાયું, એક જ ચિતા પર પતિ-પત્નીના અગ્નિસંસ્કાર કરાયા

દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના પ્રભુભાઈ પરથીભાઈ ચૌધરી રાજસ્થાનના બિકાનેર સ્થિત આર્મી કેમ્પમાં ફરજ બજાવતા હતાં. જેઓ તેઓના બિમાર સાસુ શાંતાબેન ગલબાભાઈ ચૌધરીની સારવાર અર્થે પત્ની સુશીલાબેન ચૌધરી સાથે કારમાં રાજસ્થાનના નાગોર જઈ રહ્યાં હતાં. જે દરમિયાન પાલી નજીક અકસ્માતમાં એક સાથે ત્રણેયના કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જવાન પ્રભુભાઈ ચૌધરી અને તેમના પત્નીના પાર્થિવ દેહને રવિવારે સવારે વતનમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે બીએસએફ કેમ્પ આગળથી અંતિમ યાત્રા નિકાળવામા આવી હતી. જેમાં ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, બનાસ ડેરીના ડીરેકટર પી.જે.ચૌધરી, દાંતીવાડા પીએસઆઇ એસ.ડી.ચૌધરી સહિત રાજકીય, સામાજીક આગેવાનો ઉપરાંત યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આર્મીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી હતી અને જવાનના પિતા પરથીભાઈ ચૌધરીને આર્મીના અધિકારી દ્વારા તિરંગો આપવામાં આવ્યો હતો.