રાજકોટ : એક સમય હતો જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું ત્યારે ૪ જાન્યુઆરી ૧૯૫૫ના દિવસે પદ્મશ્રી દુલા ભાયા કાગ, શ્રી જયમલ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો.એ દિવસથી લઈને આજ સુધી અને આકાશવાણી રાજકોટે લોકોના હૃદયમાં રાજ કર્યું છે.તે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ,લોકજીવન,લોકસાહિત્ય અને કલાનો આયનો છે.ટેલિવિઝન અને ટેકનોલોજીના યુગમાં પણ આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત થતા યુવવાણી, બાલસભા, એનઘેન દિવાઘેન, ગામનો ચોરો ફોન ઈન કાર્યક્રમ સહિતના શૈક્ષણિક, તબીબી, લોકસાહિત્ય, રત્ન કણિકા જેવા અનેક કાર્યક્રમો લોકોના જીવનનો હિસ્સો બન્યા છે ત્યારે તા.12 જુલાઈ 2022થી સાંધ્યકાલીન સભાના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર થી રિલે કરવાનો નિર્ણય શ્રોતાઓ,કલાકારો અને હંગામી ઉદઘોષકો માટે આઘાતજનક છે.થોડા મહિનાઓ પહેલા બપોરની સભાનું અને હવે સાંજનું પ્રસારણ અમદાવાદથી થાય છે એટલે હાલ ફક્ત સવારનું પ્રસારણ આ કેન્દ્ર પાસે છે.
બહુજન હિતાય બહુજન સુખાયના મંત્ર સાથે ચાલનાર આકાશવાણી દ્વારા સૌરાષ્ટ્ર માટે આ સમાચાર જરા પણ ખુશીના નથી.વેસ્ટર્ન બોર્ડર પર 300 કિલો વોટના જે ચાર સ્ટેશનો છે તેમાંનું એક આકાશવાણી રાજકોટ છે.જે ધરતીકંપ, પૂર-વાવાઝોડાં દરેક કુદરતી આફતોમાં દિવસ રાત જોયા વિના શ્રોતાઓની સેવામાં ખડે પગે હોય છે.ધરતીકંપ સમયે સતત 10 દિવસ સુધી રાઉન્ડ ધ કલોક 24X7 શરૂ રહ્યું હતું અને છેક ભુજમાં ઘાયલ થયેલ લોકો વિશે માહિતી આપતું હતું. હંમેશા ગુણવત્તાસભર કાર્યક્રમો આપનાર આ કેન્દ્ર થી અગણિત કલાકારો ઉજળા બન્યા છે.કલાકારો માટે આ જગ્યા મંદિર જેવી પવિત્ર છે.સંગીતના સૂરો,ભજનોની લલકાર,ખેડૂતોના રામ રામ,યુવાઓની વાણી જ્યાં રેલાય છે તે આકાશવાણી રાજકોટને 'વન સ્ટેટ વન ચેનલ' અંતર્ગત અન્ય કેન્દ્ર સાથે જોડી દેવાનો નિર્ણય કોઈ કાળે ગળે ઉતરે તેવો નથી.આ નિર્ણય થી
*નવા કલાકારોને મળતું પ્લેટફોર્મ  બંધ થઈ જશે 
*નવા રેકોર્ડીંગ ઓછા થવાના કારણે કેટલાય કલાકારોની આર્થિક આવક બંધ થઈ જશે.
*હાલ નિયમિત બે ઉદઘોષકો હોવાથી ઘણા હંગામી ઉદઘોષકો દ્વારા ચાલતા સ્ટેશનમાં તેઓને મળતી આર્થિક આવક પર પણ પ્રશ્ન ઊભો થશે.
*અહીંના કાર્યક્રમોમાં લોકો જે પોતીકાપણું અનુભવતા તે હવે ક્યાં શોધશે? 
*જ્યારે સરકાર રોજગારી વધારવાની વાતો કરે છે ત્યારે આ નિર્ણય થી અનેક લોકોની રોજગારી પર ચોક્કસ અસર થશે.
*નવી પેઢી સૌરાષ્ટ્રની સંસ્કૃતિની જાણકારીથી વંચિત રહેશે.
*જે ખુશ્બુ અહીંના કલા સાહિત્ય અને સંગીતમાં છે એ કયાંથી મળશે?
*રોજના અસંખ્ય પત્રો અને ટેકનોલોજીના સમયમાં મેસેજ,વોઇસ મેસેજ કે વોટ્સેપ મેસેજ દ્વારા જોડાઈ રહેતા શ્રોતાઓને અનેક કાર્યક્રમો
ની ખોટ સાલશે.
*પ્રજ્ઞાચક્ષુ શ્રોતાઓ માટે આકાશવાણી રાજકોટ પોતાની કલ્પનાનું આકાશ છે, માહિતી અને મનોરંજનનો ખજાનો છે ભલે રેડિયો ચાલુ જ હોય પણ ભાષા અને ભાવની અલગ પ્રસ્તુતિ જરૂર ખૂંચે.
 
સમય સાથે ડગ ભરતા આજે આકાશવાણી રાજકોટ નવી ટેકનોલોજીથી સજ્જ છે ઉપરાંત મલ્ટીટ્રેકીંગ રેકોર્ડીંગની સુવિધા ધરાવતું એકમાત્ર સ્ટેશન જે અન્ય કેન્દ્ર સાથે મર્જ થાય તે કોઈ રીતે સ્વીકાર્ય નથી. આ માટે આકાશવાણી રાજકોટના કેઝયુઅલ એનાઉન્સર દ્વારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને રજૂઆત કરતો પત્ર પાઠવવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લા કલેકટરને પણ આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું છે તેમજ સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાનો અવાજ અધિકારીઓ સુધી પહોચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.શ્રોતાઓ પણ નારાજ છે અને તે સર્વેના હિતમાં નિર્ણય આવે તે માટે રજૂઆત કરવા સોશિયલ મીડિયાનો સહારો લઈ પોતાની લાગણી ઉપર સુધી પહોચાડે તે જરૂરી છે.જે દરેક શ્રોતા,કલાકાર કે કોઈ પણ વ્યક્તિ જેમના જીવનમાં રેડિયોની નો જરાપણ ફાળો હોય તો આ સેવ આકાશવાણીની ઝુંબેશમાં ભાગ લઈ આકાશવાણી કેન્દ્ર ફરી ધમધમતુ થાય એ માટે  સહકાર આપે એવું નમ્ર નિવેદન છે.