આ વખતે ફેબ્રુઆરીથી જ હીટવેવનો પ્રકોપ શરૂ થઈ ગયો હતો. જો કે હવે વાતાવરણમાં એ રીતે પલટો આવ્યો છે કે ઠંડી પાછી ફરી છે. દિલ્હી NCR સહિત દેશના મોટા ભાગોમાં હળવો વરસાદ અને તેજ પવનને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. શનિવારે રાજધાની દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી ઓછું હતું. અને 19 અને 20 માર્ચ માટે, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઘણી જગ્યાએ આંધી સાથે વરસાદ પડી શકે છે.
ક્યાં કેવું રહેશે હવામાન?
સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે દક્ષિણ રાજસ્થાન અને ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. તેનું પરિભ્રમણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સુધી છે. આગાહી મુજબ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, પૂર્વ મધ્ય પ્રદેશમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ ઓડિશા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ કરા પડી શકે છે. તમિલનાડુ અને કર્ણાટકના ભાગોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી એનસીઆરમાં ઘેરા વાદળો છે. અહીં હળવા ઝાપટા પણ પડી શકે છે.
શનિવારે પણ હવામાન વિભાગે મોટા વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી હતી. બીજી તરફ મેઘાલય અને આસામમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દેશના મોટા ભાગોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે યલો એલર્ટનો અર્થ છે કે હવામાન બદલાઈ શકે છે, તેથી લોકોએ સાવચેત રહેવું જોઈએ.
ગુજરાતમાં માવઠાથી ચોમાસા જેવા માહોલ
Unseasonal Rain:છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 તાલુકમાં કમોસમી વરસાદ પડતાં ખેતી પાકને પારાવાર નુકસાન થયું છે. કમોસમી વરસાદ મૂશળધાર વરસતા પાણી ભરાઇ જતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 તાલુકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂત મુશ્કેલીમાં મૂકાયા છે. કચ્છના ભૂજમાં સૌથી વધુ 2 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં પોણા 2 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો છે.અમદાવાદ માંડલમાં પોણા બે ઇંચ કમોસમી વરસાદ થયો. હિંમતનગર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તો ધનસુરા સિદ્ધપુર, ડીસા, દાંતા અને ઇડરમાં પણ એક-એક ઇંચ વરસાદ ખાબક્યો. બેચરાજી, માંડવી પાટણ, વડ઼ગામમાં પણ અડધો-અડઘો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત મોડાસા સૂઇગામ માંગરોલ, દાહોદ, જાંબુઘોડામાં પણ અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત અન્ય 61 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ પડ્યાંના અહેવાલ છે.
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સતત બે દિવસથી વરસતાં વરસાદના કારણે મકાઇ, તકબૂચ સહિતના બાગાયતી પાકને પણ પારાવાર નુકસાન થયું છે. બનાસકાંઠામાં મોટા ભાગના તાલુકામાં એક ઇંચ વરસાદ પડતાં અહીના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. અહીં રાયડો, જીરૂ, એરંડા, ઘઉંના પાકને પારાવાર નુકસાન થયું છે.