દાસજ ગામે ઝડપાયું નકલી જીરાનું ગોડાઉન

મહેસાણા ફૂડ વિભાગના ગોડાઉનમાં દરોડા

3 હજાર 360 કિલો નકલી જીરુંનો જથ્થો ઝડપાયો

ઊંઝા જીરા માટે પ્રખ્યાત છે અને અહીંના જીરાનો ગુજરાત સહિત દેશ-વિદેશમાં ઉપયોગ કરવામાં આવે છે. આવામાં અહીંથી એક એવું ગોડાઉન મળી આવ્યું છે કે જેમાં નકલી જીરું તૈયાર કરવામાં આવી રહ્યું હતું.

મહેસાણા જિલ્લાના ઊંઝાના દાસજ ગામેથી નકલી જીરાનું ગોડાઉન ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડીને નકલી જીરાનો જથ્થો કબજે કરી લીધો છે. તો ગાડઉનને પણ સીલ કરવામાં આવ્યું છે.

સિમેન્ટ-ગોળની ભેળસેળ કરી બનાવાતું હતું જીરું

મહેસાણાના ફૂડ વિભાગની ટીમ યોગ્ય બાતમીના આધારે ઊંઝાના દાસજ ગામમાં આવેલા મંગલમુર્તિ ગોડાઉન ખાતે પહોંચી હતી. જ્યાં ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા ગોડાઉનની અંદર નકલી જીરું તૈયાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં ગોડાઉનમાં વરીયાળીમાં સિમેન્ટ-ગોળની ભેળસેળ કરી જીરું બનાવાતું હોવાનો ખુલાસો થયો હતો.

કુલ 3360 કિલોગ્રામ જીરું જપ્ત

દાસજના મંગલમૂર્તિ નામના 13 નંબરના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડીને કુલ 48 બોરી જપ્ત કરી હતી. જેમાં કુલ 3360 કિલોગ્રામ જીરું ભરેલું હતું. મંગલમુર્તિ ગોડાઉનનો માલિક જય પટેલ નકલી જીરું બનાવતો હતો. હાલ ફૂડ વિભાગ દ્વારા નકલી જીરું જપ્ત કરીને ગોડાઉનને સીલ મારવામાં આવ્યું છે. તો નકલી જીરું બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરાતા ગોડાઉનના માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પહેલા પણ ઝડપાયું હતું નકલી જીરું

આ પહેલી વખત નથી જ્યારે ઊંઝામાંથી નકલી જીરું બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હોય આ પહેલા પણ ગયા વર્ષ મહેસાણાના ઊંઝામાં નકલી જીરૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાડેલા દરોડામાં 3200 કિલોના નકલી જીરાના જથ્થો ઝડપાયો હતા. વરિયાળીનું ભુસુ, ક્રીમ કલર અને ગોળની રસીના મિશ્રણનો જથ્થો પણ કબજે લેવાયો હતો. બિનેશ પટેલ નામનો શખ્સ ખુલ્લે આમ ફેક્ટરીમાં પોતાનો આ ગોરખધંધો ચલાવતો હતો. જેની જાણ થતાં રેડ કરી નકલી જીરાના સેમ્પલ લઈને વધુ તપાસ માટે લેબોરેટરી મોકલ્યા હતા.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાડ્યા હતા દરોડા

આ દરોડા દરમિયાન ટીમના ધ્યાને આવ્યું હતું કે ફેક્ટરીમાં વરિયાળીના ભૂસા સાથે ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મિક્સ કરવામાં આવે છે જે બાદ તડકામાં સુકવી જીરુંના આકાર અને કલર જેવું બનાવટી જીરું બનવવામાં આવે છે અને ઉંઝાનો બિનેશ પટેલ આ બનાવટી જીરું બનાવતાં રંગેહાથે ઝડપાઈ ગયો હતો.

જીરુંમાં ભેળસેળ કેમ?

- લોકોની પહેલી પસંદ છે ઊંઝાનું જીરું

- ઊંઝાના જીરાની લોકોમાં ખૂબ માંગ છે

- બનાવટી જીરુંથી જીરુંના ઉંચા ભાવ મેળવવાનો શોર્ટકટ

- જીરું કરતા વરિયાળી સસ્તી હોય છે

- વરિયાળીની સાઇઝ અને જીરુંની સાઇઝ એક સરખી હોવાથી ભેળસેળમાં આસાની

- વરિયાળી પર પ્રોસેસ કરીને જીરું જેવું બનાવી લેવાય છે

- ઊંઝાની જાણીતી બ્રાન્ડના નામે પણ વેચાય છે બનાવટી જીરું

- અસલી જીરું સાથે પણ નકલી ભેળસેળ કરી દેતા હોય છે

- લોકોનો જીરુંનો ઉપયોગ થોડો હોવાથી ઝડપથી ભેળસેળની જાણ નથી થતી