કોન્ટ્રાક્ટર ગોડાઉનમાંથી બારોબાર માલ ઉઠાવી ગયો: ડીસા UGVCL કચેરીમાં ફરજમાં બેદરકારી દાખવતા ત્રણ કર્મચારીઓ સસ્પેન્ડ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
ડીસાના આખોલ પાસે આવેલા ઉત્તર ગુજરાત વીજ કંપનીની વિભાગીય કચેરી 1,2 આવેલી છે. જે ડીસા સહીતના તાલુકાઓ આ કચેરીના તાબામાં આવે છે. ત્યારે આ કચેરી દ્વારા વાવ તાલુકાના ગામડાઓમાં નવી વીજ લાઈન ખેંચવા સહીતના કામો કોન્ટ્રાકટરને નિયમ મુજબ આપવામાં આવ્યા હતા. ત્યારે એક કોન્ટ્રાકટરને ફાળવેલ કામ અને મંજુર થયેલા કામ કરતા કચેરીમાંથી વધુ માલસમાન ઉઠાવી ગયો હતો. અંદાજીત એક કરોડ ઉપરાંતનો માલ સામાન ગોડાઉનમાંથી ઉઠાવી ગયા બાદ અધિકારીઓને ધ્યાને આવતા ચોંકી ઉઠ્યા હતા. માલ વધારે સ્ટોકમાંથી કઈ રીતે લઈ ગયો તે બાબતે તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન ત્રણ અધિકારીની બેદરકારી સામે આવતા તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલા, જ્યારે એક અધિકારીની બદલી કરી દેવાઈ છે.આ સમગ્ર ઘટના મામલે અત્યારે યુજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જીણવટભરી તપાસ ચાલી રહી છે અને કોન્ટ્રાક્ટર પાસેથી માલ સામાન રિકવરી પણ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થયા બાદ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.