ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સીરિઝની પહેલી વનડે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યર વિના જ આ મેચમાં ઉતરી રહી છે. રોહિત અંગત કારણોસર પહેલી મેચમાંથી બહાર છે જ્યારે શ્રેયસ પીઠની ઈજાને કારણે સીરિઝમાંથી બહાર છે. ભારતીય ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા પહેલી વખત વનડેમાં કપ્તાની કરી રહ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ સ્ટીવ સ્મિથ કરી રહ્યો છે. કાંગારૂ ટીમના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ તેની માતાના મૃત્યુ બાદ ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા નથી. આ પહેલા બંને ટીમો વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ હતી જેમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ સતત ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર કબજો કર્યો હતો.
રેકોર્ડની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ભારતમાં અત્યાર સુધીમાં 5 વનડે સીરિઝ જીતી છે. મુલાકાતે આવેલી કાંગારૂ ટીમે છેલ્લે 2018-19માં ભારતમાં 5 મેચની ODI સીરિઝ 3-2થી જીતી હતી. આગામી વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ સીરિઝ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે. ODI વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં યોજાવાનો છે.