દાંતીવાડા BSFની 123 બટાલિયન દ્વારા સીવીક એક્શન પ્રોગ્રામ અંતર્ગત સુઇગામ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

               

વિજેતા ટીમને ટ્રોફી અને રૂ. 6,000 રોકડ પુરસ્કાર તેમજ રનર અપ ટીમને રૂ. 4,000 રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાઈ

શ્રી ગુરિન્દર સિંઘ, કમાન્ડન્ટ 123 બટાલિયન, દાંતીવાડાના હસ્તે ભાગ લેનાર ટીમોને વોલીબોલ કીટનું વિતરણ કરાયું

 દાંતીવાડા BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) 123 બટાલિયન દ્વારા ઓપ્સ બેઝ સૂઇગામ ખાતે સીવીક એક્શન પ્રોગ્રામ હેઠળ સરહદી વિસ્તારમાં રહેતા લોકો અને યુવાનોને રમત પ્રત્યે જાગૃકતા આવે એ હેતુસર 12 મી માર્ચથી 15 માર્ચ દરમિયાન વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં સૂઇગામ, અસારાવાસ, અસારાગામ, કુંડળીયા, વાવ અને માવસરી ગામની કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. શ્રી ગુરિન્દર સિંઘ, કમાન્ડન્ટ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા 15 માર્ચના રોજ આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો.  

        સૂઈગામ અને અસારાગામ વચ્ચે યોજાયેલી ફાઇનલ મેચમાં અસારાગામની ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને ટ્રોફી અને રૂ. 6,000 રોકડ પુરસ્કાર તેમજ રનર અપ ટીમ સુઇગામને રૂ. 4,000 રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. જ્યારે ભાગ લેનાર તમામ 6 ટીમોને શ્રી ગુરિન્દર સિંઘ, કમાન્ડન્ટ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા વોલીબોલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ દરમિયાન દર્શકોનો ઉત્સાહ વધારવા માટે એક પ્રદર્શની મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ટીમ 123 બટાલિયન અને ટીમ સરદાર કૃષિનગર કૃષિયુનિવર્સિટીની વોલીબોલ ટીમ વચ્ચે પ્રદર્શન મેચ યોજાઈ હતી. જેમાં ટીમ 123 બટાલિયનનો વિજય થયો હતો.

          આ ટુર્નામેન્ટ પ્રસંગે સૂઈગામ પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ડોડીયા, અસારાવાસ સરપંચશ્રી બાબાજી રાજપૂત, અસારાગામ સરપંચશ્રી જોધાજી રબાજી રાજપૂત, સૂઈગામ સરપંચશ્રી શંકરભાઈ, જલોયા સરપંચશ્રી થાનાજી ડોડીયા, માવસરીના શ્રી પ્રકાશ વ્યાસ સહિત આસપાસના 20 જેટલાં ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.