છેતરપિંડી: ધાનેરાના વેપારીએ 16 ટન નાળીયેરના રૂ. 5.31 લાખ ન ચૂકવી ઠગાઈ આચરી

ધાનેરાના વેપારીઅે તમિલનાડુ ખાતે નાળીયેરનો જથ્થાબંધનો વેપાર કરતા વેપારી પાસેથી 16 ટન નાળીયેર મંગાવ્યા હતા. જેના રૂપિયા 5.31 લાખ ન ચૂકવી છેતરપીંડી આચરી હતી. આ અંગે તેની સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવે ચકચાર જગાવી છે. તામિલનાડુની પ્રભુ ટ્રેડર્સ નામે સૂકા નારિયેળની પેઢીના માલીક રાજન અલાગપ્પાને ધાનેરાના વેપારી રતનભાઈએ ફોન પર વાત કરી પોતાની ચામુંડા એજન્સીમાં રૂપીયા 5,31,128ના 16 ટન સૂકા નારિયેળ મંગાવ્યા હતા.જે રાજન અલાગપ્પાએ ટ્રક દ્વારા મોકલી આપ્યા હતા. જેની ડિલિવરી કરાતા તે ટ્રકના ભાડાના રૂપિયા 90,000 ડ્રાયવરને ચૂકવી દીધા હતા. અને માલના રૂપિયા ચાર દિવસ બાદ મોકલી આપવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તે રૂપિયા મોકલવામાં ના આવતા તામિલનાડુના વેપારી ધાનેરા આવ્યા હતા.જોકે, આવી કોઈ એજન્સી સ્થળ પર ના મળતા એજન્સીના મલિક રતનભાઈ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.આ અંગે રતનભાઇએ જણાવ્યું હતુ કે, દલાલ મારફતે માલ મંગાવ્યો હતો. જેનું પેમેન્ટ પણ ચુકતે કર્યુ છે. આ પાર્ટીને અમે ઓળખતા પણ નથી અમને ખોટા ફસાવવામાં આવ્યા છે. આ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.