કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગ: એક બાળકનું મોત, બે બાળકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં, ડૉક્ટરની મનમાની સામે લોકોમાં રોષ, ટોળેટોળાં ઊમટ્યાં
બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આ ઘટનામાં ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત થયું હતું. જ્યારે બે બાળકોને પહેલા સરકારી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જો કે ત્યાં ડોક્ટર હાજર ન હોવાથી લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા હતા અને ત્યાં લોકો સાથે તેમણે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. સરકારી ડોક્ટરની મનમાનીના વિરોધમાં લોકરોષ ભભૂકી ઊઠ્યો છે અને સરકારી હોસ્પિટલ પાસે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ દરમિયાન બાળકોને વધુ સારવાર માટે હાલ ડીસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.