આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે પાલનપુરના જાણીતા તબીબ ર્ડા. સંજય ચાૈધરીને એવોર્ડ આપી સન્માનિત કરાયા..
આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે તબીબી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ અને પ્રદાન બદલ રાજ્યભરના 26 જેટલાં ડોક્ટર્સનું એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું
ન્યુઝ 18 ગુજરાતી દ્વારા આયોજીત હેલ્થકેર સમિટમાં રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે પાલનપુરના જાણીતા તબીબ ર્ડા. સંજય ચાૈધરીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. હેલ્થકેર સમિટ અંતર્ગત આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે ગુજરાતને સ્વસ્થ રાખવામાં જેમનું અમૂલ્ય યોગદાન છે અને તબીબી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ તથા પ્રદાન બદલ રાજ્યભરના કુલ-26 જેટલાં ડોક્ટર્સનું એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત અને આપણા પાલનપુર શહેરના ખુબ જ પ્રસિદ્ધ અને આરોગ્ય ક્ષેત્રે નામના મેળવનાર ડૉ. સંજય જી. ચૌધરીનું પણ આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવતા તેમના વતન જગાણા અને મિત્ર વર્તુળમાં આનંદની લાગણી વ્યાપી છે.
ર્ડા. સંજય ચાૈધરીનું સન્માન એ સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ ગર્વની બાબત છે. ડાયાબિટીસ ક્ષેત્રે (લોકજાગૃતિ અને નિદાન- સારવાર ક્ષેત્રે) પોતાનું અમૂલ્ય યોગદાન આપવા બદલ તેમજ સમગ્ર રાજ્યમાં પાલનપુર શહેર અને બનાસકાંઠા જિલ્લાને ગૌરવ અપાવવા બદલ તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 'ડોકટરો ભગવાનનું બીજું સ્વરૂપ છે' - આ કહેવતને આપણે કોરોનાકાળમાં સાક્ષાત સાચી ઠરતી નિહાળી. કોરોનાના કપરાં કાળમાં ડોકટરો સહિત સમગ્ર તબીબી માળખાના કર્મચારીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના રાત-દિવસ લોકોની સેવા કરી અને એટલે જ તેમને 'કોરોના વોરિયર્સ' કહેવામાં આવ્યા. હેલ્થકેર સમિટ જેવા આવા ડોકટરોના સમાજ પ્રત્યેના પ્રદાનને બિરદાવતા કાર્યક્રમોના સહભાગી બનવું ખરેખર આનંદની વાત છે. આવા કાર્યક્રમો ડોકટરોનું મનોબળ વધારે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં કોરોના સમયે આપણા દેશે સ્વદેશી રસી બનાવીને તથા અનેક દેશોને રસી પૂરી પાડીને ખરાં અર્થમાં 'વસુધૈવ કુટુમ્બકમ' ની ભાવના સાર્થક કરી. કોરોના દરમિયાન નિઃશુલ્ક રસી અને દવાઓ સહિતની તબીબી સુવિધાઓ પૂરી પાડીને આપણે આપણા ઉત્કૃષ્ટ તબીબી માળખાની સાબિતી આપી.
રાજ્યની તબીબી સેવાઓ અંગે વાત કરતા આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2001માં રાજ્યમાં માત્ર 1100 એમ.બી.બી.એસ. સીટોની સામે આજે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં રાજ્યમાં 6350 એમ.બી.બી.એસ. સીટો ઉપલબ્ધ છે. 3 નવી મેડિકલ કોલેજોને મંજુરી મળી ચૂકી છે તથા વધુ 5 કોલેજો શરૂ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, PG ની હાલમાં 2300 સીટો ઉપલબ્ધ છે, જેને 2027 સુધી 5000 કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે. આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આયુષ્માન કાર્ડ ધારકોને મળતું કવર 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવ્યું છે. રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર 'વન નેશન - એવન ડાયાલિસિસ' અંતર્ગત શરૂ થયા છે. જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે. રાજ્ય સરકારની આરોગ્ય સંબંધિત અનેકવિધ યોજનાઓનો લાભ આજે રાજ્યના નાગરિકોને સુપેરે મળી રહ્યો છે, જે રાજ્યના લોકોના આરોગ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ સમિટમાં તજજ્ઞ ડોકટરો દ્વારા આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો પર તલસ્પર્શી જ્ઞાન પીરસવામાં આવ્યું હતું