લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો પ્રયાસ: ડીસાની અર્બુદા શાળાના બાળકોએ વેસ્ટ ચીજવસ્તુઓ માંથી 2000 પક્ષીઘર બનાવ્યા; લોકોને પક્ષી બચાવવા અપીલ કરી
એક સમય હતો જ્યારે વહેલી સવારે ઉઠીએ તો પક્ષીઓના સુંદર મજાના અવાજો કાનમાં ગુંજતા હતા, પરંતુ હવે તે માત્ર મોબાઇલની રીંગટોન બની ગયા છે. દિવસેને દિવસે વધી રહેલા શહેરીકરણ અને વૃક્ષોના નાશના કારણે પક્ષીઓના રહેઠાણ લગભગ નામસેશ થઈ ગયા છે.ત્યારે ચકલી સહિતના પક્ષીઓ ફરી મનુષ્યના મિત્ર બને અને શહેરોમાં કિલ્લોલ કરતા જોવા મળે તે માટે બનાસકાંઠામાં ડીસાની અર્બુદા વિદ્યાલયમાં બાળકો દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના બાળકોએ કાગળના પૂઠ્ઠા, સેલોટેપ, કલર, ઝાડના પાંદડાઓ રંગબેરંગી પટ્ટીઓ સહિતની વેસ્ટ ચીજ વસ્તુઓનો બેસ્ટ ઉપયોગ કરી ચકલી ઘર બનાવ્યા હતા.વહેલી સવારે 8 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં આ બાળકોએ અંદાજિત 2000થી પણ વધુ પક્ષીઘર બનાવી અને અલગ અલગ શહેરો અને ગામડાઓમાં ઝાડ પર બાંધ્યા હતા. એટલું જ નહીં, પરંતુ લોકોને પણ પર્યાવરણ અને પક્ષીઓને બચાવવા માટે તેમના રહેઠાણ, ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરી હતી.