છોટાઉદેપુર જિલ્લામાં ૨૦૩ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે : સુખી ડેમ વિસ્તારમાં દુર્લભ દુધરાજ પક્ષીના થયેલા દર્શન

       છોટાઉદેપુર જિલ્લામાં ૨૦૩ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે અને તેમાં પણ સુખી ડેમ વિસ્તારમાં દુર્લભ થઈ ગયેલ એવા કેટલાક પક્ષીઓ જોવા મળે છે જેના કલરો જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. 

           પાવીજેતપુરના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર તેમજ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વનરાજસિંહ સોલંકીના જણાવ્યા મુજબ ભારતમાં લગભગ ૧૧૯૧ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે જેમાંથી ગુજરાતમાં ૫૪૪ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. જે પૈકી છોટાઉદેપુર જિલ્લામાં ૨૦૩ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લો ભૌગોલિક અને પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ છે. આણી, ઓરસંગ, સુખી, મેરીયા અને ભારજ નદીના જળસ્ત્રાવ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે.  

              વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર તેમજ પાવીજેતપુરના આરએફઓ વનરાજસિંહ સોલંકી સુખી ડેમની આસપાસના વિસ્તારોમાં ફરી, સમય ફાળવી પક્ષીઓની કેટલીક તસવીરો લીધી હોય જેમાં ચાસ, દૂધરાજ, કિંગફિશર અને રિવરટર્ન જેવા મન મોહીલે તેવા પક્ષીઓ જોવા મળે છે. ચાસ પક્ષીની ખાસિયત એ છે કે તે જ્યારે ઉડે છે ત્યારે તેના નયનરમ્ય સપ્તરંગી કલરોનું નજરાનું નિહાળી " વાહ " શબ્દ મોઢામાંથી નીકળી જાય છે. જ્યારે દૂધરાજ પક્ષી હવે દુર્લભ થતું જાય છે. દૂધરાજ માં માદા કથ્થઈ રંગની ટૂંકી પૂંછ ધરાવે છે. જ્યારે નર સફેદ થતાં કથ્થઈ એમ બે પ્રકારના કલર અને લાંબી પૂછ ધરાવે છે. જેની લંબાઈ ૪૦ સેમી સુધી હોય છે. દૂધરાજ પક્ષી ઉડતું હોય ત્યારે તેની પૂછ હવામાં લહેરાય છે જે નજારો ખરેખર અદભુત હોય છે. દૂધરાજ પક્ષી ગાઢ જંગલોના જળસ્ત્રાવ વિસ્તારમાં ઉડતા કીટકોને પકડતા જોવા મળે છે જેથી તેને ફ્લાય કેચર પણ કહેવામાં આવે છે. આ પક્ષી ખૂબ જ ચંચળ હોય છે જેથી લાંબા સમયની પ્રતિક્ષા પછી આવા પક્ષીઓની તસ્વીરો પ્રાપ્ત થાય છે. 

           આમ, પાવીજેતપુર પંથકમાં આવેલ સુખી ડેમ વિસ્તારમાં કુદરતી પ્રાકૃતિક વાતાવરણમાં ૨૦૩ જેટલી પ્રજાતિ પક્ષીઓ જોવા મળે છે અને એના નયનરમ્ય કલર અલૌકિક આનંદ આપી જાય છે.