ડીસા શહેરની કચ્છી કોલોની વિસ્તારમાં આવેલી નાકોડાજી સોસાયટીમાં રહેતા પ્રદીપ રાજગોરે વર્ષ 2013માં તેઓના સંબંધી અને વ્યાજ વટાવ નાણાં ધીરધારનો ધંધો કરતા રાજેશકુમાર પ્રજાપતિ, હેમરાજ પ્રજાપતિ અને મનોજ પ્રજાપતિ પાસેથી રૂપિયા 4.60 લાખ 3 ટકાના વ્યાજે લીધા હતા.

જેમાં તેને પ્રોમિસરી નોટ, કોરા ચેક તેમજ કોરા કાગળ પર સહીઓ કરીને લખીને આપી હતી. ત્યારબાદ માસિક 3%ના વ્યાજે એક વર્ષ બાદ તેઓએ રૂપિયા 4.60 અને એક મૂડી અને રૂપિયા 1,78,000 વ્યાજ ગણી રૂપિયા 5,38,000 લેવાના નીકળતા હતા. જેથી રાજેશ પ્રજાપતિના પિતા હેમરાજભાઈએ તેને ડીસાના વેલુનગર વાળું મકાન વેચવા માટે સમજાવ્યો હતો. તેમજ મકાન વેચશે તો તેનું મૂડી અને વ્યાજ ભરાઈ જશે.

ઉપરાંત બાકીના પૈસા હાથ ઉપર હશે તો કઈ ધંધો પણ કરી શકશે તેમ સમજાવી રૂપિયા 40 લાખની કિંમતમાં મકાન વેચાવ્યું હતું. જેમાંથી તેઓની મૂડી, વ્યાજ તેમજ મકાન દલાલીના પૈસા કાપી બાકીના પૈસા આપવાના હતા. જો કે બંને વચ્ચે સંબંધો સારા હોવાથી તેઓએ પૈસા તરત આપ્યા ન હતા અને ત્યારબાદ નોટબંધી આવી ગઈ છે તેમ જણાવી ગલ્લા તલ્લા કરતા રહ્યાં હતા.

ત્યારબાદ પ્રદીપ રાજગોરે બાકીના પૈસાની વારંવાર ઉઘરાણી કરી. ત્યારે વ્યાજખોરોએ હજુ પણ મૂડી અને વ્યાજ લેવાના નીકળે છે અને જો તું નહીં માને તો તારા કોરા ચેક, પ્રોમિસરી નોટ, કોરા કાગળ પર સહી વગેરે અમારી પાસે પડી છે. તેમ જણાવી ગમે તે કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા પ્રદીપ રાજગોરે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.