હોળી બાદ ધૂળેટીના દિવસે પણ વરસાદ: ડીસા પંથકમાં ફરી કમોસમી વરસાદ; શહેરના માર્ગો પાણીથી તરબોળ, ફાગણમાં અષાઢી જેવો માહોલ
ડીસામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ થતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હોળી બાદ આજે ધુળેટીના દિવસે પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ડીસા પંથકમાં ભારે વરસાદી ઝાપટાના કારણે શહેરના માર્ગો પણ પાણીથી તરબોળ થયા હતા. જ્યારે નીચાણ વાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા.છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ થતાં ડીસા પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વારંવાર અને સતત કમોસમી વરસાદના કારણે ખેતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને ડીસા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં બટાકા, રાજગરો, રાયડો અને એરંડાનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે અને સતત વરસાદના કારણે આ ચારેય ખેતી પાકમાં મોટુ નુકસાન થતા ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે.