રાજ્ય સરકારે બટાટાના ખેડૂતોને નુકસાનીમાં રાહત મળે તે માટે સહાય પેકેટ જાહેર કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સંતોષ થયો નથી. ખેડૂતોની માગ છે કે સરકારે કરેલી જાહેરાતથી વેપારીઓની ફાયદો થશે ખેડૂતોને કોઇ લાભ થાય તેમ નથી.

રાજ્યમાં ચાલુ સાલે બટાટાના સતત ભાવ ગંગાડતા ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા અને બનાસકાંઠામાં ચાર કરોડ કટ્ટા બટાટાનું ઉત્પાદન થયું છે પણ ભાવ ન મળતા કરોડોના દેવાદાર બની જશે તેવો ભય સતત સતાવી રહ્યો હતો. ખેડૂતો બટાટા સ્ટોરમાં સંગ્રહ કરે તો તેના ભાડા જેટલા પણ પૈસા મળશે કે કેમ તે વાતને લઈ ખેડૂતો સતત ચિંતાતુર હતા. ત્યારે ખેડૂતો અને વેપારીઓએ ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી અને થરાદના ધારાસભ્ય તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી પાસે સહાય બાબતે રજુઆત કરી હતી. જે રજુઆતને ધ્યાને લઈને આજે સરકારે સબસીડી પેકેજ જાહેર કર્યું છે. જો કે સહાય પેકેજ મામલે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો હતો.

ખેડૂતોની માંગ છે કે, સહાય માટે સરકારે ખેતરમાં સર્વે કરવો જોઈએ અને 7/12 ના ઉતારા પ્રમાણે સહાય સીધી ખાતામાં જમા થાય અને જેટલું વાવેતર છે તેટલી પુરેપરી સહાય મળવી જોઇએ. આ જાહેર કરેલા સહાય પેકેજમાં તો વેપારીઓને જ ફાયદો થાય તેમ છે.

તો બીજી તરફ ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનના પ્રમુખ ફૂલચંદભાઇ કચ્છવાએ સરકારે જાહેર કરેલા સહાય પેકેજને વધાવ્યું હતું અને જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. ખાસ કરીને નાના ખેડૂતોને નુકસાનીમાં ઘણી રાહત મળી રહેશે.