વરસાદની આગાહીને પગલે એલર્ટ..
ડીસામાં કમોસમી વરસાદની આગાહીને લઈ માર્કેટયાર્ડ દ્વારા વેપારીઓ અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના..
અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ રાખવા જણાવ્યું..
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી માવઠાની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. માર્કેટયાર્ડના સત્તાધીશોએ પણ ખેડૂતોને વેપારીઓને જાણનારને કોઈ નુકસાન ન થાય તેમ રીતે અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના આપી છે.
ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં આગામી 5 અને 6 તારીખે કમોસમી માવઠું થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા ડિઝાસ્ટર વિભાગે પણ તમામ અધિકારીઓને વરસાદની આગાહીને પગલે એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે. જેને પગલે ડીસા માર્કેટયાર્ડ દ્વારા પણ તમામ વેપારીઓ અને ખેડૂતોને આ બે દિવસ દરમ્યાન સાવચેત રહેવા માટે તેમજ તેમના માલ સામાન પણ ખુલ્લામાં ન રાખી સલામત સ્થળે રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વારંવાર કમોસમી માવઠાના કારણે અનેક ખેડૂતોના જાનમાલને નુકસાન થયું હતું. ત્યારે આગામી સમયમાં ફરી એકવાર ખેડૂતોને કે વેપારીઓને તેમની જણસમાં કમોસમી વરસાદના કારણે કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા અગમચેતી રૂપે કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમરત જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ડીસા માર્કેટયાર્ડમાં તેમજ બે સબ માર્કેટયાર્ડમાં માઇક દ્વારા એનાઉન્સ કરાવ્યું છે અને વ્યાપારીઓ તેમજ ખેડૂતોને તેમનો અનાજનો જથ્થો ખુલ્લામાં ન રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.