પાવીજેતપુર તેલાવ માતાએ બે અગિયારસ હોવાના કારણે બે દિવસ મેળો ભરાયો

     પાવીજેતપુર તાલુકાના બારાવાડ ગામની ટેકરી પાસે આવેલ તેલાવ માતાના મંદિરે બે અગિયારસ હોવાના કારણે સતત બે દિવસ ગુરુવાર અને શુક્રવારે મેળો ભરાયો હતો. વર્ષોથી ભરાતા મેળામાં નદીનું પાણી સૂકાય જતા શ્રદ્ધાળુઓએ બોરના પાણી થી સ્નાન કરી પોતાના પાપ ધોઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી. 

         ફાગણ સુદ અગિયારસ નો દિવસ એટલે ઐતિહાસિક વારસો , પૌરાણિક સ્થાપત્ય , ઓરસંગ માતા નો ઐતિહાસિક પટ , ભરપૂર કુદરતી સંપતિ , ભરપૂર પ્રાકૃતિક સૌન્દર્ય નો નયનરમ્ય મનમોહક નજારો ધરાવતી ઐતિહાસિક પરંતુ ઇતિહાસમાં ના લખાયેલ, ના વર્ણવેલ છતાં આદિવાસી સંસ્કૃતિ નો સુમેળ સાથે હોળી ના તહેવાર પૂર્વે તેલાવ માતાના ખોળામાં , પ્રકૃતિ ની ગોદ માં આદિવાસીઓના નવા ઉમંગ , ઉત્સાહ સાથે ભરાતો " તેલાવ માતાનો મેળો ". પાવીજેતપુર થી ૮ કિલોમીટર જેટલા અંતરે આવેલ બારાવાડ ટેકરી નજીક આવેલ તેલાવ માતાના મંદિરે અગિયારસના દિવસે વર્ષોથી પરંપરાગત આદિવાસી મેળો યોજવામાં આવે છે. બે અગિયારસના કારણે બે દિવસ મેળો ભરાયો હતો. આદિવાસી મેળામાં પાવીજેતપુર, છોટાઉદેપુર તેમજ કંવાટ તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેળાની મજા માણે છે.

         તેલાવ માતા ના મંદિર ની તળેટી માં થી પસાર થતા નદી ઉપર વર્ષોથી પગથિયા બનાવી દેવામાં આવ્યા હોય જ્યાંથી ભક્તજનો શ્રદ્ધાથી નદીના પાણીમાં ઉતરી ડૂબકી મારી સ્નાન કરી પોતાના પાપને ધોઈ મા ના પેટમાંથી જનમ્યા હોય તેવા થઈ જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેતી ખનન ખૂબ વધી જવાથી વર્ષોથી આ નદીમાં કયારેય નહીં સુકાયેલું પાણી છેલ્લા કેટલાય વર્ષોથી સુકાઈ જવા પામ્યું છે. જેમાં ગત વર્ષે પાણી નુ પુર આવતા ઘાટ જેવા મોટા મોટા પગથીયા બનાવ્યા હતા તે, તેમજ મંદિરની બાજુની ડુંગરીનો કિનારો ધોવાઈ જવા પામ્યો છે.

         ગત વર્ષની જેમ આ વર્ષે પણ નદીમાં જેસીબી લગાવી બારાવડ પંચાયતના સરપંચ દ્વારા રસ્તો બનાવી અને બોરમાં મોટર મૂકી દેવા માં આવી હતી. તેલાવ માતાની તળેટીમાંથી નીકળતું પાણી ખૂબ જ પવિત્ર મનાતું હોય તેથી લોકો આ પાણીને પોતાની બોટલોમાં ભરી મોઢું ધોઈ, કપડાં પલાળી ધન્યતા પ્રાપ્ત કરતા નજરે પડતા હતા. આ પવિત્ર પાણી લેવા માટે લોકોની ખૂબ જ પડાપડી જોવા મળી હતી.  

         આ મેળામાં અંતરિયાળ વિસ્તારના કવાંટ બાજુ ના ઓરીજનલ આદિવાસીઓ આગલી રાત્રે આવી જઈ પોતાના પીસવા ( પીહા ) વગાડી પોતાની આગવી અદામાં નૃત્ય કરતા નજરે પડે છે. આ મેળામાં નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં આવી જઇ દુકાનો કરી વેપાર કરે છે. આદિવાસી સમાજમાં શેરડીનું આગવું મહત્વ હોય તેથી ઘરે પરત જતા આદિવાસીઓ શેરડી ના ભારા બંધાવી માથે મૂકી લઈ જતા નજરે પડતા હતા. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો મેળામાં ખડકી દેવામાં આવ્યો હતો. 

         આમ, તેલાવ માતાના મંદિરે આવેલ નદીનું પાણી સુકાઈ ગયું હોવા છતાં બોરના પાણી થી શ્રદ્ધાળુઓએ હાથ પગ મોઢુ ધોઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી. તો કેટલાક લોકો બોટલોમાં પાણી ભરી ઘરે લઇ ગયા હતા.