ખેડૂત અને જમીન લે વેચ કરતા શખ્સની હત્યા..
ડીસાના ઝેરડામાં અજાણ્યા શખ્સોએ ગળામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા..
ઘટનાને પગલે રબારી સમાજમાં રોષ..
બનાસકાંઠામાં ડીસાના ઝેરડા ગામે વધુ એક હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. ઝેરડાથી પમરુ રોડ પરથી પસાર થઈ રહેલા આધેડ ઉપર અજાણ્યા શખ્સોએ ગળાના ભાગે હથિયારના ઘા મારી હત્યા કરતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અંગેની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ડીસા-ધાનેરા હાઈવે ઉપર આવેલા ઝેરડા ગામના ખેડૂત અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા પરબતભાઈ રબારી મોડી રાતે ઝેરડા બસ સ્ટેશનથી પોતાના ઘર તરફ પગપાળા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન શાળા નજીક પહોંચતા જ કોઈ અજાણ્યા શખ્સોએ પરબતભાઈને માથા, ગળા, હાથ તેમજ શરીરની ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતાં. આ અંગેની જાણ થતાં ગ્રામજનો સહિત પરીવારના સભ્યો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. હત્યાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી લાશને પી એમ અર્થે ખસેડી હતી.
રબારી સમાજના આશાસ્પદ વ્યક્તિનું મોત થતા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, નરસિંહ દેસાઈ સહિત સહકારી અને રાજકીય આગેવાનો સહિત સમાજના આગેવાનોના ટોળેટોળા સરકારી હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. આરોપી પકડાય નહીં ત્યાં સુધી લાશ લેવાનો ઇનકાર કર્યો હતો. જેથી ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જેને પગલે DYSP ડો. કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને રબારી સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરી હત્યારાઓને તાત્કાલિક ટૂંક સમયમાં પકડવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. પરબતભાઈની લાશને અંતિમવિધિ માટે તેમના ગામ લઈ જવાઈ હતી.
આ અંગે DYSP ડો. કુશલ ઓજાએ જણાવ્યું હતું કે, હત્યાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી હતી અને મલ્ટીપલ કારણોને ધ્યાનમાં લઇ આગળની તપાસ ચાલી રહી છે.